ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પૂરના કારણે હાહાકાર મચ્યો છે. અહીં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે. પૂરના કારણે 16 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે હજારોની સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરાયું છે.
ઈન્ડોનેશીયાની રાજધાની જકાર્તામાં પૂરની તારાજી
જકાર્તાઃ નવા વર્ષના પ્રસંગે એકતરફ જ્યાં જશ્નનો માહોલ હતો, ત્યાં ઈન્ડોનેશિયાની રાજધાની પૂરના પ્રકોપ સામે ઝઝૂમી રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 16 લોકોના મોતના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્યું કે, વરસાદ અને વહેતી નદીઓના કારણે રાજધાનીના કેટલાય વિસ્તાર જળબંબાકાર થઈ ગયા છે અને એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે.
ગુરૂવારે એક અધિકારીએ જણાવ્યું કે, ચોમાસાનો વરસાદ અને વહેતી નદીઓના કારણે ઓછામાં ઓછા 169 વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. જકાર્તાના બહારના જિલ્લા પૈકી દીપોક અને બોગોરમાં ધરતીકંપ પણ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પૂરના કારણે 16ના મોત થયા છે. એજન્સી દ્વારા રજૂ કરાયેલા વીડિયો અને તસ્વીરોમાં અનેક કાર અને ગાડીઓ પાણીમાં તરતી દેખાઈ રહી છે. પૂરના કારણે હજારો ઘર અને ઈમારતો ડૂબી ગઈ છે. બીજીતરફ વીજકાપ કરાયો છે. 31,000થી વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે. ટ્રેનો અને ફ્લાઈટો રદ્દ કરી દેવાઈ છે.