- મા શક્તિના આરાધના પર્વની વિશ્વના ખૂણે ખૂણે ઉજવણી
- Etv ભારતને મળી ઉજવણીની વિશેષ તસવીરો અને વિડીયો
- અમેરિકાના ડલાસ ટેક્સાસ ખાતે આવેલા હિંદુ મંદિરમાં ગરબાની રમઝટ
વલસાડ :'જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત' ,ગુજરાતના ગરબા માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી, કોરોના ગાઈડલાઈન (Covid-19 Guidelines) સાથે અમેરિકામાં પણ માની આરાધના થઈ રહી છે. ગરબા દ્વારા અમેરિકાના ડલાસ (America Dallas) ખાતે આવેલા DFW હિંદુ મંદિરમાં નવ દિવસ માટે કોરોનાની ગાઈડલાઈન સાથે નવરાત્રી પર્વ (Navratri)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
અમેરિકાના ડલાસ ટેક્સાસમાં મંદિરમાં નવરાત્રીની ઉજવણી DFW હિંદુ મંદિરમાં દર વર્ષે નોરતાનું આયોજન થાય છે
અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ પણ નવરાત્રી પર્વે પોતાના સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરી માતાજીની આરાધના કરવાનું ભૂલતા નથી, ત્યારે ડલાસના ટેક્સાસમાં આવેલા DFW હિંદુ મંદિરમાં દર વર્ષે માતાજીના નવલા નોરતાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આ વર્ષે પણ ગરબા અને દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતીઓ ઝૂમતા જોવા મળ્યા હતા.
કોરોના હોવાને કારણે ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરાય છે
હિંદુ મંદિરમાં આયોજિત કરવામાં આવેલા નવરાત્રી આયોજનમાં ગરબા રમવા આવનારા તમામે પહેલા કોરોના ટેસ્ટ કરાવવો પડે છે, ત્યારબાદ જ એન્ટ્રી અપાય છે અને પછી જ તેઓ ગરબામાં રમી શકે છે.
દર વર્ષ કરતા આ વર્ષે નિયત સંખ્યામાં લોકો આવી રહ્યા છે
દર વર્ષે ડલાસ ખાતે આવેલા હિંદુ મંદિરમાં આયોજીત કરવામાં આવનાર નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો આવે છે, પરંતુ કોરોનાકાળ બાદ હવે લોકો ખૂબ નિયત સંખ્યામાં આવી રહ્યા છે. અહીં દર વર્ષે આવનાર રિતેશભાઈ મહેતા અને માર્ગી મહેતાએ જણાવ્યું કે, માતાજીની આરાધના માટે આ વખતે પણ તેઓ આવ્યા છે અને કોવિડની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરતા જ પ્રવેશ કર્યો છે અને આ હાલના તકબક્કે દરેકના માટે જરૂરી પણ છે, છતાં ધર્મની સાથે સાથે કોવિડ-19 નું પાલન દરેક કરે ને માતાજી વિશ્વમાંથી કોરોના દૂર કરે એવી મંગળ કામના પણ તેઓ કરી રહ્યા છે.
આઠમ અને દશેરાએ પણ કરવામાં આવશે ભવ્ય ઉજવણી
અમેરિકા ખાતે આવેલા હિંદુ મંદિરમાં આયોજિત કરવામાં આવેલા નવરાત્રી મહોત્સવમાં આઠમ અને વિજયાદશમીના દિવસે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહેશે. આયોજકોએ જણાવ્યું કે, દશેરાના દિવસે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમજ આઠમના દિવસે વિશેષ આરતી કરવામાં આવશે. આમ જ્યાં ગુજરાતીઓ વસવાટ કરે છે ત્યાં ત્યાં નવરાત્રી મહોત્સવનું આયોજન ખૂબ ભવ્ય રીતે કરવામાં આવે છે, જેમાં પશ્ચિમી દેશોમાં પણ વસવાટ કરતા ગુજરાતીઓ દ્વારા નાના મંદિરોમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે, જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ મા શક્તિની આરાધના ગરબા દ્વારા કરી રહ્યા છે.
આ પણ વાંચો: રાજકોટમાં નવરાત્રિના પાંચમાં નોરતા નિમિત્તે દિકરી પૂજા કાર્યક્રમ યોજાયો, અનોખી રીતે કરાયું પૂજન
આ પણ વાંચો: નવલા નોરતાને લઈને સરકારે કરેલા નિર્ણય અંગે શુ કહી રહ્યા છે કલાકારો, જાણો...