હૈદરાબાદ: બોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાં જોવા મળતા હીરો અચાનક કે ચમત્કાર સ્વરુપે અભિનેતા બની જતા નથી. તેમણે અભિનેતા બનવા માટે અનેક પડકારોનો સામનો કર્યો હોય છે. સુખ-દુ:ખ, તાઢ-તડકો, યશ-અપયશ જેવી તમામ પરિસ્થિતિઓમાંથી પસાર થયા હોય છે. તો આજે એવા જ સંઘર્ષમાંથી પસાર થયેલા બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની કારકિર્દી પર એક નજર કરીએ.
અભિનેતાને માર્શલ આર્ટનો શોખ હતો: અક્ષય કુમાર માર્શલ આર્ટ શીખવા માંગતા હતા. પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે માર્શલ આર્ટ શીખી શકે તેમ નહોતું. તેમના પિતાએ માર્શલ આર્ટ શીખવવા માટે બેંગકોક મોકલ્યા હતા. તેમના પિતાએ લોન લઈને અક્ષય કુમારની બેંગકોકની ટિકિટ ખરીદી હતી. અક્ષય કુમારે બેંગકોકમાં લગભગ 5 વર્ષ વિતાવ્યા હતા. ત્યારબાદ તેમણે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી મળી હતી. આ નોકરીની સાથે તેમણે બોક્સિંગની પ્રેક્ટિસ કરી હતી. ત્યાર બાદ તેમણે કોલકત્તાની એક ટ્રાવેલ એજન્સિમાં જોડાયા હતા. અહીં કામ કર્યા બાદ તેઓ ઢાકા ગયા હતા, જ્યાં તેમણે મુંબઈના જ્વેલરી વેચવાનું શરુ કર્યું હતું.
અક્ષય કુમારને ડાકુઓએ લુંટી લીધા: અક્ષય કુમારે ફ્રન્ટિયર મેલ ટ્રેનમાં જ્વેલરી પણ વેચી હતી. જ્વેલરીના ધંધામાં તેઓ મહિને લગભગ 5 થી 6 હજાર રુપિયાની કમાણી કરી લેતા હતા. અક્ષય કુમાર એક વાર આશરે 5 હજાર રુપિયાના પોશાક અને જ્વેલરી લઈને ટ્રેનમાં ચડ્યા ત્યારે, ચંબલ ક્ષેત્રથી ટ્રેન પસાર થતા તેમના પર ડાકુઓએ હુમલો કર્યો હતો. આ એક ભયાનક દુર્ઘટના હતી, જેમાં અક્ષય કુમાર ડરી ગયા હતા. ડાકુઓ પાસે બંદુકો હતી અને લોકોને લૂંટી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે સુઈ રહ્યા હોય તેવું વર્તન કર્યું હતું. ડાકુઓ તેમનો સામાન લુંટી ગયા હતા. અક્ષય કુમારે મોડલિંગ કરીને પૈસા કમાવવાનું શરું કર્યું હતું. તેમને દિવસના શૂટમાં કેટલીક તસવીરો ક્લિક કરવા માટે તેમને આશરે 21,000 રુપિયા આપવામાં આવતા હતા.
અક્ષય કુમારની ફિલ્મની શરુઆત: અક્ષય કુમારે જ્યારે ફિલ્મની શરુઆત ન કરી હતી ત્યારે, તેઓ એક ફોટોગ્રાફરના લાઈટમેન તરીકે કામ કર્યું હતું. એટલું જ નહીં, પરંતુ સ્ટાર્સના ફોટોશૂટ દરમિયાન અક્ષય કુમાર લાઈટ હાથમાં પકડીને અભા રહ્યા હતા. એક દિવસ આવી જ રીતે ગોવિંદાએ અક્ષય કુમારને જોયા અને કહ્યું હતું કે, ''તમે દેખાવમાં સુંદર છો તો, હીરો કેમ નથી બની જતા.'' ગોવિંદાના નિર્દેશનના કારણે અક્ષય કુમારનું એક્ટિંગ કરવા પર ધ્યાન દોરાયું હતું. અક્ષય કુમારનો આ ઉત્સાહ જોઈ એક ફોટોગ્રાફરે ફ્રીમાં તેમનો એક પોર્ટફોલિયો બનાવ્યો હતો. અભિનેતાની રસપ્રદ વાત એ છે કે, ફોટોશૂટ માટે દીવાલ પર ચઢી ગયા ત્યારે ગાર્ડે તેમનો પીછો કર્યો હતો અને અક્ષય કુમારનું અપમાન કર્યું હતું. અક્ષય કુમાર ફોટોશૂટ માટે જે દિવાલ પર ચઢ્યા હતા તે દિવાલ આજે તેમના ઘરની છે
સૌગંધથી ફિલ્મની શરુઆત કરી હતી: મોડલિંગ માટે અક્ષય કુમાર મુંબઈથી બેંગલોર જવા માટે રવાના થયા હતા. પરંતુ તેઓ ફ્લાઈટ ચૂકી જતા નિરાશ થઈ ઘરે પરત ફર્યા હતા. ત્યાર બાદ તેઓ સાંજના સમયે નટરાજ સ્ટુડિયો તરફ ફરતા હતા, ત્યારે એક મેકઅપ આર્ટિસ્ટ નરેન્દ્ર દાદાએ તેમનો એક પોર્ટફોલિયો લઈ લીધો હતો. નરેન્દ્ર દાદાએ નિર્માતા પ્રમોદ ચક્રવર્તીને આ પોર્ટફોલિયો બતાવ્યો હતો. ત્યારે પ્રમોદ ચક્રવર્તીએ કેબિનમાં બોલાવ્યા હતા. આ દરમિયાન તસવીર જોઈ નિર્માતાએ અક્ષય કુમારને ફિલ્મમાં હીરો બનવાની ઓફર કરી હતી. અક્ષય કુમારે પ્રથમ ફિલ્મ 'સૌગંધ'થી ફિલ્મની શરુઆત કરી હતી. આ ફિલ્મ માટે તેમને લગભગ 5001 રુપિયાનો ચેક મળ્યો હતો.