- વડોદરા પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે દુષ્કર્મનો મામલો
- ગોત્રીના હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
- આરોપીઓ વિદેશ ભાગી ના જાય તે માટે પોલીસ દ્વારા તમામ એરપોર્ટ પર નજર
વડોદરા : કોલેજીયન યુવતી પર દુષ્કર્મના હાઇપ્રોફાઇલ કેસમાં ગોત્રી પોલીસ પાસેથી આંચકી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ કેસમાં જે લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું તે લોકોને નિવેદન નોંધાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે તેડું મોકલ્યું હતું. આથી આ મામલાના સંબંધિત લોકો ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ નિવેદન નોંધાવા પહોંચ્યા હતા.
ગોત્રી દુષ્કર્મ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ પીડિતાને ફ્લેટ ભાડે આપી દુષ્કર્મ
આ પ્રકરણમાં મળતી માહિતી પ્રમાણે પીડિતાની આરોપી અશોક જૈન સાથે પ્રણવ શુક્લા નામના વ્યક્તિએ ઓળખાણ કરાવી હોવાના આક્ષેપ થયા હતા, તે પ્રણવ શુક્લાએ પણ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ નિવેદન નોંધાવ્યું છે. જે ફ્લેટ પીડિતાને ભાડે આપેલો હતો અને જ્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે, 903 નંબરના નિસર્ગ ફલેટના માલિક રાહીલ જૈનનું પણ નિવેદન નોંધવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન વડોદરા શહેર પોલીસના જોઈન્ટ પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
પોલીસ દ્વારા તમામ એરપોર્ટ નજર
વડોદરાના ગોત્રીના ચકચારી કેસમાં નિતનવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે પોલીસની ચહલપહલ વધતા આરોપીઓ પોલીસના હાથવેંત જ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગોત્રીના ચકચારી હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પીડીતાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં શહેરના નામાંકિત સી.એ. અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ પર દુષ્કર્મના આરોપ લગાવ્યો છે. જે બાદથી અશોક જૈન અને રાજુ ભટ્ટ ફરાર છે, આથી પોલીસને હાથ લાગતા નથી. આ દરમિયાન આ તાપસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. દુષ્કર્મ કેસના આરોપીઓ વિદેશ ભાગી ના જાય તે માટે પોલીસ દ્વારા તમામ એરપોર્ટ પર જાણ કરવામાં આવી છે, આ ઉપરાંત બન્ને આરોપીઓની પાસપોર્ટ વિગતો એકત્ર કરાઈ છે. આરોપીએને પકડવા માટે આજે શનિવારના રોજ સવારે ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ પોલીસના ઉચ્ચાધિકારીઓ સહિતના પોલીસ અધિકારીઓની ચહલપહલ વધી હતી, ત્યારે આગામી સમયમાં વધુ નિતનવા ખુલાસા થવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પીડિતાનું લેવાયું હતું નિવેદન
આ ઘટનાને પગલે શુક્રવારના રોજ મહિલા સામાજિક કાર્યકર્તા શોભના રાવલ સાથે પીડિતા ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ પહોંચી હતી. આ દરમિયાન, ક્રાઇમ બ્રાન્ચના PIએ પીડિતાની પૂછપરછ કરી છે. આ ઉપરાંત, ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ પહોંચ્યો હતો અને અધિકારીઓની હાજરીમાં યુવતીનું નિવેદન લેવાયું હતું. આ સાથે સામાજિક કાર્યકર શોભના રાવલનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ક્રાઇમ બ્રાન્ચે 4 ટીમો બનાવી આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટની શોધખોળ શરૂ કરી છે, ત્યારે આ સમગ્ર પ્રકરણમાં દુષ્કર્મ છે કે હનીટ્રેપ એ વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
આ પણ વાંચો: