- સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં સુરતની એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
- ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ
- જંતુનાશક દવા પાણીમાં ભેળવીને મહિલાએ પીધી
વડોદરા: સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં સુરતની એક મહિલાએ ઝેરી દવા પી જઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુરત ઉધના ગામ સ્થિત અનમ સોસાયટીમાં રહેતા 28 વર્ષિય હાજરાબાનુ અસલમભાઈ અંકુરા બસ દ્વારા વડોદરા આવી પહોંચ્યા હતા અને વડોદરા સેન્ટ્રલ એસ.ટી ડેપોમાં પોતાની પાસે રાખેલી જંતુનાશક દવા પાણીમાં ભેળવીને પી ગયા હતા.
આ પણ વાંચો :હલ્દવાનીમાં મોબાઈલ ખોવાઈ જતા યુવકે ઝેર પીને આત્મહત્યા કરી
મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફત સયાજી હોસ્પિટલ ખસેડાઈ
ડેપોમાં શરબત વેચાણનો સ્ટોલ ચલાવતી એક મહિલાને આ મહિલા ઉપર શંકા જતા તરત જ અન્ય લોકોની મદદ લઈને દોડી ગઇ હતી અને ઝેરી દવા પી જનાર હાજરાબાનુને 108 એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં મોકલી અપાઈ હતી. આત્મહત્યાનો પ્રયાસ કરનારી મહિલા હોસ્પિટલમાં જવા માટે પણ તૈયાર ન હતી. જોકે એમ્બ્યુલન્સ સ્ટાફ મહિલાને જબરદસ્તી હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરી દીધી હતી.
મહિલાએ ગૃહક્લેશના કારણે આ પગલું ભર્યુ હોવાનું મનાઈ રહ્યું છે
આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે મહિલાએ ગૃહક્લેશના કારણે આ પગલું ભર્યુ હોવાનું મનાઈ રહ્યું છે. સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી આ મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. સયાજીગંજ પોલીસે આ બનાવ અંગે સુરતની મહિલા સામે આત્મહત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :સાબરકાંઠા: પિતાએ ઠપકો આપતા 14 વર્ષીય સગીરે જંગલમાં જઈને આત્મહત્યા કરી