વડોદરાઃ શહેરના ચિત્રાનગર વિસ્તારમાં 12 મીટરના રોડ પર લાઈનમાં થયેલા બાંધકામોને પાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં નજીવા ઘર્ષણ સિવાય પાલિકાએ ધરેલી કામગીરીને સ્વૈચ્છિક સમર્થન પણ મળ્યું હતું. આ વિસ્તારમાં દુર્ઘટના સમયે સરકારી વાહનની અવર-જવરમાં અડચણ થતા લોક માગણીના સંદર્ભે પણ દબાણો સહિત ખાનગી જમીનની સંપાદનની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.
વડોદરા: દંતેશ્વર વિસ્તારમાં દબાણ હટાવવા દરમિયાન સ્થાનિકો અને પાલિકાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ - પાલિકાના અધિકારીઓ
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા ચિત્રાનગરમાં 12 મીટરના રોડ પરનાં 50થી વધુ દબાણો હટાવવા પાલિકાની દબાણ શાખાએ કામગીરી શરૂ કરતાં સ્થાનિક રહીશો અને પાલિકાના અધિકારીઓ વચ્ચે નજીવું ઘર્ષણ થયું હતું.
પાલિકાના દબાણ હટાવ શાખાના અધિકારીએ જણાવ્યું કે દંતેશ્વરના ચિત્રાનગરમાં 12 મીટરના રોડ પર રોડ લાઈનમાં થયેલા દબાણો અને ખાનગી જમીન સંપાદન કરવાની હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ મંગળવારે પાલિકાના વિવિધ વિભાગો, જી.ઈ.બી અને પોલીસની ટીમો સાથે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. પાંચ મકાનો સહિત કમ્પાઉન્ડ વોલ, કાચા શેડ સહિત અંદાજે 50 જેટલાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. કામગીરીની શરૂઆતમાં નજીવા ઘર્ષણ સિવાય સ્થાનિકોના સહકારથી શરૂ કરાયેલ કામગીરી સાંજ સુધીમાં પૂરી કરી દેવાશે. ખાનગી જમીન પર સંપાદન કરવાની કાર્યવાહીમાં તેના માલિકોને નિયમ મુજબ વળતર ચૂકવવાની પણ કાર્યવાહી હાથ ધરાશે. જોકે આ વિસ્તારના લોકો દ્વારા પણ આ રોડ પરથી અગ્નિશમન દળ તેમજ પોલીસના ભારે વાહનો પણ જઈ શકતાં ન હોવાથી લોકોએ પણ રસ્તો ખુલ્લો કરાવવા માંગણી કરી હોવાનું જણાવાયુ છે.