ગુજરાત

gujarat

ETV Bharat / city

UP Conversion Case : તપાસનો રેલો વડોદરા પહોંચ્યો, ATSના અધિકારીઓએ આરોપીના ઘરની તપાસ કરી - Conversion Racket Of UP

ઉત્તર પ્રદેશ અને ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડ (ATS) એ સંયુક્ત ઓપરેશનમાં વડોદરા પાસેથી ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા ધર્માંતરણ કેસ (UP Conversion Case) માં ધરપકડ કરી છે. જેના બીજા દિવસે આરોપીને વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા તેના નિવાસસ્થાને લઈ જવાયો હતો. જ્યાં તપાસ કર્યા બાદ ATSના અધિકારીઓએ એક આઈપેડ અને મોબાઈલ ફોન કબજે કરીને ગુજરાતમાં તેના નેટવર્ક અને સંપર્કો શોધવાની તજવીજ હાથ ધરી છે.

UP Conversion Case
UP Conversion Case

By

Published : Jul 1, 2021, 4:09 PM IST

Updated : Jul 1, 2021, 6:58 PM IST

  • ઉત્તર પ્રદેશના ધર્માંતરણ કેસની તપાસ વડોદરા પહોંચી
  • સલાઉદ્દીન શેખ નામના વ્યક્તિની કરાઈ હતી ધરપકડ
  • આરોપીના ફતેગંજ નિવાસ સ્થાને ATSની ટીમની તપાસ

વડોદરા : ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના કેસ (UP Conversion Case) માં ગુજરાત અને ઉત્તર પ્રદેશ ATS એ સંયુક્ત રીતે ગુજરાતમાં મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં વડોદરા પાસેથી સલાઉદ્દીન શેખ નામના એક શખસની ધરપકડ કરીને તેને અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો. ઘટનાના બીજા દિવસે સલાઉદ્દીનને તેના વડોદરાના ફતેગંજ સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં ATS દ્વારા તેના ઘરમાં તપાસ કરવામાં આવી હતી. સલાઉદ્દીન શેખ પર ઉત્તરપ્રદેશમાં ચાલતા ધર્માંતરણ કેસમાં ફન્ડિંગ કરવાનો આરોપ છે. આ સમગ્ર મામલે વધુ તપાસ બાદ અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.

દિલ્હીના NGOના ખાતા ચકાસતા વડોદરા કનેક્શન મળી આવ્યું

સલાઉદ્દીન શેખ વડોદરા જિલ્લામાં ફેક્ટરી ધરાવે છે અને તેનું વડોદરામાં એક ટ્રસ્ટ પણ આવેલું છે. ધર્માંતરણ કેસ (Conversion Case) ના મુખ્ય સૂત્રધાર ઉમર ગૌતમની દિલ્હીમાં આવેલી દાવાહ નામની સંસ્થાના હિસાબોની ચકાસણી કરાતા તેમાં સલાઉદ્દીનની સંડોવણી બહાર આવી હતી.અને તે પણ આ સંસ્થાને ફંડ પૂરુ પાડતો હોવાનું જણાતા ઉત્તરપ્રદેશ ATS દ્વારા ગુજરાત ATS નો સંપર્ક કરાયો હતો. જેથી સલાઉદ્દીનને વડોદરા હાઇવે પાસેથી પકડીને તેને મદદ કરનારા અન્ય શખ્સોની પણ શોધખોળ શરૂ કરાઇ છે.

UP Conversion Case : તપાસનો રેલો વડોદરા પહોંચ્યો, ATSના અધિકારીઓએ આરોપીના ઘરની તપાસ કરી

સલાઉદ્દીન શેખે ત્રણ વખત હવાલા મારફતે રૂપિયા મોકલ્યા

ગુજરાત ATSએ પકડેલા સલાઉદ્દીન શેખે UPમાં દાખલ થયેલા ધર્માંતરણ કેસ (UP Conversion Case) માં 10 લાખનું ફન્ડિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ત્રણ વખત હવાલા મારફતે લાખો રૂપિયા UP સહિત અન્ય રાજ્યોમાં મોકલ્યા હતા, એટલું જ નહીં પણ આરોપી ગુજરાતના વડોદરામાં પોતાની NGO પણ ચલાવી રહ્યો છે. જેમાં વિદેશી ફન્ડિંગ પણ મળતું હોવાનું સામે આવ્યું છે.

આઈપેડ અને મોબાઈલ ફોન કબજે કરાયા

સલાઉદ્દીનની ધરપકડ બાદ ATS ના અધિકારીઓ તેને લઇને ગુરૂવારે વડોદરા આવી પહોંચ્યા હતા. જ્યાં ફતેગંજ સ્થિત કલ્યાણ હોટલની પાછળ આવેલા તેના મકાનની ઝીણવટપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જ્યારબાદ પોલીસે એપલ કંપનીનું આઈપેડ અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો. ઉત્તરપ્રદેશ ધર્માંતરણ કેસ (UP Conversion Case)માં ATS અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી ચૂકી છે.

શું હતી મોડસ ઓપરેન્ડી ?

ઉમર ગૌતમ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણ (Conversion Racket Of UP) મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ લોકો પર રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનો ગંભીર આરોપ છે. તેઓ મુખ્યત્વે મૂકબધીર તેમજ મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા. જેમાં ઉમર ગૌતમ પહેલા હિન્દુ હતો, પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. આ કેસમાં ગુજરાત કનેક્શન સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે સલાઉદ્દીન સિવાય પણ આ ગેન્ગમાં ગુજરાતમાંથી કોણ કોણ શામેલ છે? તે અંગે તપાસ કરવામાં આવશે.

UP ATSએ અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી

મૌલાના ઉમર ગૌતમ આસામની 'મરકઝ-ઉલ-મારિફ' નામની સંસ્થા સાથે કામ કરતો અને આ સંગઠન બાંગ્લાદેશી અને રોહિંગ્યા નાગરિકો માટે કામ કરે છે. આસામમાં તેને આતંકી સંગઠન ગણાવીને 2010માં તેના વિરુદ્ધ દિસપુસમાં ફેરા (FERA) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ કેસ (UP Conversion Case) માં હવે રોજબરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. UP અને બીજા રાજ્યોમાં થઈ રહેલા ધર્મ પરિવર્તનના મામલાઓમાં વિદેશી ફંડિંગની સાથે વિદેશી માસ્ટરમાઈન્ડનું કનેક્શન સામે આવી રહ્યું છે.

21 જૂને મૌલાના જહાંગીર અને મૌલાના ઉમર ગૌતમ પકડાયો

ATSએ લખનઉથી 21 જૂનના રોજ મૌલાના જહાંગીર અને મૌલાના ઉમર ગૌતમને પક્ડ્યા હતા. જ્યારબાદ સોમવારે મહારાષ્ટ્રના ઈરફાન શેખ, હરિયાણાના મન્નુ યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાન અને નવી દિલ્હીથી રાહુલ ભોલાની ધરપકડ પણ કરી છે. આ પહેલાં લખનઉથી પકડાયેલા ઉમર ગૌતમના તાર કતારના સૌથી મોટા ધર્મપરિવર્તન કરાવનારા ઈન્ટરનેશનલ માસ્ટરમાઈન્ડ બિલાલ ફિલિપ સાથે જોડાયેલા છે. બિલાલ ફિલિપ ભારતના મોસ્ટ વોન્ટેડ ઝાકિર નાઇકનો સહયોગી રહ્યો છે.

Last Updated : Jul 1, 2021, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details