વડોદરા: શનિવારે મોડીરાત્રે હોસ્પિટલના ન્યુરોસર્જરી વોર્ડમાં આવેલા ઇલેક્ટ્રીક રૂમના વાયરિંગમાં ઘર્ષણને પગલે ચમકારો થતા આગની જ્વાળાઓ ભડકી હતી, પરંતુ સ્ટાફ એલર્ટ હતો. જેના કારણે તાત્કાલિક અગ્નિશામક સાધનોની મદદથી આગ બુઝાવી દેવામાં આવી હતી. હાલ સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
વડોદરાની SSG હોસ્પિટલમાં ફરી આગ ભભૂકી, કોઇ જાનહાનિ નહી - news of vadodara city
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કોરોના સારવાર માટેની SSG હોસ્પિટલમાં રવિવારે ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. જો કે, ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
ઘટના ગ્રાઉન્ડ ફ્લૉર પર આકાર પામી હતી જ્યાં ICU વોર્ડ પણ આવેલો છે. તેમજ અહીં લેબોરેટરી પણ આવેલી છે જ્યાં કોરોનાના સેમ્પલોની ચકાસણી થાય છે. હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રીક રૂમમાં વાયરિંગમાં સ્પાર્કને લીધે ફ્યૂઝ બળી ગયો હતો. જેના લીધે સામાન્ય આગ લાગી હતી, પરંતુ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જો તાત્કાલિક આગ પર કાબૂ ન મેળવાયો હોત તો કદાચ મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી એવું અધિકારીએ જણાવ્યું હતું.
આ પહેલા પણ SSG હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની ચૂકી છે. ગત મંગળવારે સર્જાયેલી દુર્ઘટનામાં હોસ્પીટલના ICU વોર્ડના એક વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં પણ જાનહાનિ થઇ ન હતી, પરંતુ આ વોર્ડમાં કોરોનાની સારવાર લઇ રહેલા 35 દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.