વડોદરાઃ શહેરના ગાજરાવાડી હાથીયાપાડ ખાતે વર્ષે સરેરાશ 1700 મોટા અને 1900 નાના મૃત પશુઓનો નિકાલ થાય છે. જે કામગીરી સાથે જોડાયેલા પરવાનેદારોને હવે પ્રતિ દિન પ્રમાણે ચૂકવણી કરાશે. જેને લઈને કોર્પોરેશનના માથે વર્ષે રૂપિયા 16 લાખનો ખર્ચ આવશે.
હાથિયાખાડ ખાતે વર્ષે સરેરાશ 1500 થી 1700 નાના મૃત પશુઓ અને 1700 થી 1900 મોટા મૃત પશુઓનો નિકાલ કરાય છે. જ્યાં મૃત પશુઓના નિકાલ સ્થળે ઉદ્ભવતી ગંદકી અને અસહ્ય દુર્ગંધની રોજબરોજ વધી રહેલી વિકટ સમસ્યા સંબંધે સ્થાનિક લોકો તેમજ કોર્પોરેટરો દ્વારા કોર્પોરેશનમાં અવાર નવાર રજૂઆતો કરાઈ હતી. જેને ધ્યાને લઈને કોર્પોરેશને ટીપીડી એન્ડ બાયોગેસ પ્લાન્ટ તથા ઈન્સીનેરેટર ઉપરાંત નવિન પ્લાન્ટ પ્રસ્થાપિત કર્યો હતો.
હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ અને ચાલુ કરાનાર નવિન મૃત પ્રાણીઓને કટકા કરનાર પ્લાન્ટને કારણે ચીરફાડ કરનાર પરવાનેદારોની આજીવિકા પર અસર થશે. કારણ કે, મૃત પશુના ચીરફાડ કર્યા પછી નીકળતા ચામડા અને હાડકાનુ વેચાણ કરીને તેઓ આવક મેળવતાં હતાં. જોકે,આ નવિન પ્લાન્ટથી તેમની આજીવિકા પર અસર પડશે. રાજકોટમાં પ્રતિ દિનના રૂપિયા 6755 મુજબ સંસ્થાને ચૂકવણુ કરાય છે. જ્યારે સુરતમાં ત્યાંની કોર્પોરેશન પ્રતિ દિન મોટા પશુ દીઠ રૂપિયા 634 મુજબ માન્ય સંસ્થાને પરભારે વળતર ચૂકવે છે. જે જોતા મરેલા ઢોરોની કામગીરી સાથે સંકળાયેલા 1 પરવાનેદારોની આજીવિકા ચાલે તે માટે મોટા પશુઓ માટે ઉચ્ચક રૂપિયા 650 અને નાના પશુઓ માટે ઉચ્ચક રૂપિયા 250 મુજબ પ્રતિ દિનનું વળતર ચૂકવવા દરખાસ્ત તૈયાર કરાઈ હતી.
જેનાથી કોર્પોરેશનના માથે વર્ષે રૂપિયા 16 લાખનો ખર્ચ આવશે. જે માટે મ્યુનિ.કમિશનરની ભલામણથી એક દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટિમાં રજૂ કરાઈ હતી તે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટિએ મંજૂર કરી છે.જોકે, મૃત પશુનું ચામડું હાડકાં વેચી આવક રળનાર પરવાનેદારોની આજીવિકા છીનવાઈ જતા તેઓએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.