- કોરોના વાઇરસનો કહેર યથાવત
- સગ્રભા કોરોનાગ્રસ્ત થતાં દંપતી ચિંતિત થયા
- ગોત્રી હોસ્પિટલના તબીબોએ તેમની નોર્મલ પ્રસૂતિ કરાવી
- જયેશભાઇએ આભાર પત્ર લખ્યો
વડોદરાઃશહેરમાં રહેતા જયેશભાઇ જાદવના પત્ની જ્યોતિબહેન જાદવ સગર્ભા હતા. એક તબીબને ત્યાં નોંધણી કરાવી આ જાગૃત દંપતિ નિયમિત ચેક અપ કરાવતા હતા. બધું સારી રીતે ચાલી રહ્યું હતું. પ્રસૂતિ નજીક હતી તે સમયે જ્યોતિબહેનને કોરોનાનો ચેપ લાગ્યો હતો. સ્વાભાવિક રીતે જયેશભાઇએ નોંધણી કરાવી હતી તે તબીબને જાણ કરતા આ તબીબે કોરોનાગ્રસ્ત સગર્ભાની પ્રસૂતિ કરાવવા માટેની જરૂરી વ્યવસ્થાના અભાવે ના પાડી હતી. ત્યારબાદ તેમણે નવા તબીબનું સરનામું ચીંધ્યું અને ડોક્ટર સારા છે, વ્યાજબી ચાર્જ લેશે એવું આશ્વાસન પણ આપ્યું હતુ. જેથી દંપતી આ તબીબના આપેલા સરનામે ગયા હતા. આ તબીબી 1.50 લાખ રૂપિયા આગોતરા ભરવા પડશે અને દવા, સિઝેરિયનથી પ્રસૂતિ, આ બધું મળીને ત્રણ લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે.
આ પણ વાંચોઃ થાયરોડ, ડાયાબિટિઝ, હાઇપર ટેન્શન અને BP સહિતની બીમારીઓથી પીડિત કોરોના સંક્રમિત સગર્ભાની રાજકોટ સિવિલમાં સફળ પ્રસૂતિ
ગોત્રી હોસ્પિટલના તબીબ ડૉ. હિરેન આવ્યા દંપતીની વહારે
જયેશભાઇને આ સાંભળી જાણે આંખે અંધારા આવી ગયાં. મધ્યમવર્ગના પરિવાર માટે આ ગજા બહારની વાત હતી. આ સમયે GMERS ગોત્રી ખાતે કાર્યરત ડૉ. હિરેન પ્રજાપતિ તેમની મદદે આવ્યા અને આ સરકારી દવાખાનાના ગાયનેક વિભાગના ડૉ. અંજલિ સોનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે તે સમયે વિભાગમાં ફરજ પર હાજર ડૉક્ટર એના અને ડૉક્ટર સ્મિતને આ કેસ સંભાળવાની સૂચના આપી હતી. ગાયનેક વિભાગના હેડ ડો.આશિષને આ બાબતની જાણ કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ ડો.એના અને ડો.સ્મિતે પ્રસૂતિ કરાવી અને માં તેમજ નવજાત શિશુની જરૂરી દેખરેખ રાખી હતી.
કોરોનાગ્રસ્ત સગર્ભાની નોર્મલ પ્રસૂતિ
ડો.એના અને ડો.સ્મિત તથા તેમના સહયોગી તબીબો, ટીમે આ કોરોનાગ્રસ્ત સગર્ભાની વિશેષ કાળજી સાથે સલામત અને નોર્મલ પ્રસૂતિ કરાવી. ત્યારબાદ જયેશ જાદવે પાઠવેલા એક લાગણીથી છલકાતા આભાર પત્રમાં જણાવ્યું છે કે, ફરજ પરના તબીબો,નર્સ બહેનો અને ટીમે ખૂબ જ સહયોગ અને માર્ગદર્શન આપ્યું છે. તેમણે સહુ સારું જ થશેનું આશ્વાસન આપી તેમનું મનોબળ મક્કમ કર્યું હતું.
આ પણ વાંચોઃ ધારપુર સિવિલ હોસ્પિટલના ગાયનેક ડોક્ટરો કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓ માટે બન્યા આશીર્વાદરૂપ