વડોદરાઃ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમે બુધવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંવાદ કર્યો હતો. તેમાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ભાગ લીધો હતો. આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, નિવાસી અધિક કલેક્ટર ડી.આર.પટેલ ઉપસ્થિતિ રહ્યાં હતાં.
વડોદરામાં કોરોના વિષયક તકેદારીના ભાગરૂપે ડિજિટલ સેવા સેતુ યોજાશે, મુખ્ય સચિવે માર્ગદર્શન આપ્યું
કોરોના વિષયક તકેદારીના ભાગરૂપે હવે પછીના તબક્કામાં ડિજિટલ સેવા સેતુ યોજાશે. જેને લઈ રાજ્યના મુખ્ય સચિવે બુધવારે વડોદરા જિલ્લા વહીવટી તંત્રને વીડિયો કોન્ફરન્સથી માર્ગદર્શન આપ્યું હતું.
કોરોના વિષયક તકેદારીના ભાગરૂપે લોકોને 56 પ્રકારની સેવાઓ એક જ સ્થળે અને એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ કરાવતા સેવા સેતુનું હવે પછીના તબક્કામાં ડિજિટલ સ્વરૂપે આયોજન કરવાની રૂપરેખા અને વિગતવાર માર્ગદર્શન મુખ્ય સચિવએ આપ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારે ખરીફ મોસમમાં વિવિધ ધાન્ય અને ખેત પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કર્યું છે.
મુખ્ય સચિવે મહત્તમ ખેડૂતો તેનો લાભ લઈ શકે એવી અસરકારક વ્યવસ્થા ગોઠવવાનું માર્ગદર્શન આપ્યું હતું. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને ડિજિટલ સેવાસેતુની વિભાવના સમજીને સચોટ અને સરળ વ્યવસ્થાઓ ગોઠવવાની અને ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થાની જાણકારી આપી હતી. જેથી મોટી સંખ્યામાં ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતો તેનો સહેલાઇથી લાભ લઈ શકે તે માટે ઓનલાઈન નોંધણી સહિત વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત રીતે ગોઠવવાના દિશા નિર્દેશો આપ્યા હતા.