ગુજરાત

gujarat

અક્ષરનિવાસી હરિપ્રસાદ સ્વામીની આવતીકાલે અંતિમવિધિ, દર્શનના છેલ્લા દિવસે ભાજપ-કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ પહોંચ્યા

By

Published : Jul 31, 2021, 3:27 PM IST

અક્ષરનિવાસી પ.પૂ.સંત હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને સોખડા હરિધામ મંદિર ખાતે ભક્તોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. જ્યાં શનિવારે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ, જીતુ વાઘાણી, ભીખુ દલસાણીયા સહિત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા હતા અને પૂજ્ય સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અક્ષરનિવાસી હરિપ્રસાદ સ્વામીની આવતીકાલે અંતિમવિધિ
અક્ષરનિવાસી હરિપ્રસાદ સ્વામીની આવતીકાલે અંતિમવિધિ

  • હરિધામ સોખડા ખાતે પૂ.હરિપ્રસાદ સ્વામીજીને દેશ વિદેશમાંથી શ્રદ્ધાંજલી
  • રાજ્યભરમાંથી ઉચ્ચ રાજકીય હોદ્દેદારો અને નેતાઓ અંતિમ દર્શનાર્થે પહોંચ્યા
  • 1 ઓગસ્ટે મંદિર પરિસરમાં પાલખીયાત્રા બાદ બપોરે 2 વાગે અંતિમસંસ્કાર કરાશે


વડોદરા : શહેર નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી ગત સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા છે. સોખડા હરિધામ મંદિરમાં 1 ઓગસ્ટના રોજ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની અંતિમસંસ્કાર વિધિ બપોરે 2:30 કલાકે સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી સંપન્ન કરવામાં આવશે. આ પહેલાં સ્વામીજીના વિગ્રહને ગંગા, જમુના, નર્મદા સહિત 7 નદીનાં જળથી સ્નાન કરાવાશે. ત્યાર બાદ પાલખીયાત્રા નીકળશે, યાત્રાને મંદિર પરિસરમાં જ લીમડાના વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમસંસ્કાર વિધિ સંપન્ન થશે. અંતિમસંસ્કાર વિધિમાં ચંદન, લીમડા સહિતનાં 8 વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે.

અક્ષરનિવાસી હરિપ્રસાદ સ્વામીની આવતીકાલે અંતિમવિધિ, દર્શનના છેલ્લા દિવસે ભાજપ-કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ પહોંચ્યા

સ્વામીજીની ચિર વિદાયથી સમાજમાં એક ખાલીપો વર્તાઈ

હરિધામ સોખડાના પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની અક્ષરધામની અનંત યાત્રાએ ગયા છે. અનુપમ આત્મીયતા અને સરળતા આગવી સહજતા અનહદ સુહદભાવ અને અપ્રિતમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વી પટની પ્રભુપ્રેરિત યાત્રા દરમિયાન પ્રભુભક્તિ અને ગુર ભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું છે. તેઓની આધ્યાત્મિકતાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. સ્વામીજીની ચિર વિદાયથી સમાજમાં એક ખાલીપો વર્તાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

સ્વામીજીનો વારસો આવનારી પેઢી માટે અમૂલ્ય બનીને રહેશે

સ્વામીજીની વિચારધારા સૌની વચ્ચે જ છે અને રહેશે. તેમજ તેમના આશિર્વાદ થકી તેમના બતાવેલા માર્ગ પર આગળ વધવાની સૌને પ્રેરણા મળી રહેશે, તેમ હરિભક્તો જણાવી રહ્યા છે. આ સાથે સમાજના તમામ વર્ગના લોકો આજે પણ તેમની અંતિમયાત્રાથી દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. સ્વામીજીની ચિર વિદાયથી એક આખા યુગનું જાણે સમાપન થયું હોય એવી લાગણી થઈ રહી છે, પરંતુ તેમના સંસ્કાર સિંચન અને તેઓનો આટલો વિશાળ વારસો આવનારી પેઢી માટે અમૂલ્ય બનીને રહેશે.

ABOUT THE AUTHOR

...view details