- ચૂંટણીને લઈ CMની વડોદરામાં 3 જાહેર સભા
- લવ જેહાદ અંગે CMએ આપ્યું નિવેદન
- સભા દરમિયાન મુખ્યપ્રધાનની તબિયત લથડી
વડોદરાઃ આજે રવિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા મહાનગરપાલિકાના BJPના ઉમેદવારોના પ્રચારા અર્થે જાહેર સભાને સંબોધી હતી. તરસાલી વિસ્તારમાં થયેલી જાહેરસભામાં વોર્ડનં 16, 17, 18 અને 19 વોર્ડનાં ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. આ સમયે મંચ પર શહેર પ્રમુખ ઉપરાંત પ્રધાનો સહિતના હોદ્દેદારો અને BJPના ચારેય વોર્ડના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ સભા શરૂ થયા પહેલાં શહેર પ્રમુખે પુલવામામાં શહિદ થયેલા જવાનો માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું.
ગુજરાતમાં સુવર્ણ કાળ આવી રહ્યો છે
મુખ્યપ્રધાને પોતાના પ્રવચનમાં ગુજરાત માટે આ કાળ સુવર્ણકાળ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્રમાં BJPની સરકાર અને રાજ્યમાં પણ BJPની સરકાર હોવાથી ગુજરાતને સરકારી યોજનાનાં વધુ લાભો મળી રહ્યા છે. 5 વર્ષમાં 7,500 કરોડ ગુજરાતને આપ્યા છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી BJPનું શાસન છે. આ સાથે જ મુખ્યપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે સત્તા માટે દુરબીનની મદદ લેવી પડશે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ઇલું ઇલું કરીને સત્તા મેળવી છે.
કોંગ્રેસમાં 3 ટર્મ હારેલાને પણ ટિકિટ
મુખ્યપ્રધાન રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું કે, કોંગ્રેસ 3 ટર્મ હારેલાને પણ ટિકિટ આપે છે, જ્યારે BJPએ ત્રણ ટર્મ જીતેલા અને 60 વર્ષથી વધુ ઉંમરનાને ટિકિટ આપી નથી.
લવ જેહાદ અંગેનો કાયદો લાવશે
CM રૂપાણીએ શહેરના વિકાસ અંગે જણાવ્યું કે, વડોદરામાં 250 કરોડનો સૌથી લાંબો ઓવર બ્રિજ બની રહ્યો છે. ગુજરાતના મોટા શહેરોમાં મેટ્રો ટ્રેન શરૂ કરાશે. ગુજરાત સરકાર ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ તેમજ અસામાજિત તત્વોને રોકવા ગુજસીટોક કાયદો લાવી છે. આગામી સમયમાં લવ જેહાદ અંગેનો કાયદો લાવશે.