વડોદરાઃ શહેરમાં એક સપ્તાહ પૂર્વે ઓટો રીક્ષામાં મુસાફરો બેસાડવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક રીક્ષા ચાલકે બીજા રીક્ષા ચાલકના ગળામાં ચાકૂથી હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રિક્ષા ચાલકને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી શિવનગર સોસાયટીમાં રહેતો હાર્દિક ઉર્ફ લાલા નાજાભાઇ ભરવાડ અને આજવા રોડ બહાર કોલોનીમાં રહેતો સરફરાજ મયુદ્દીન બચારવાલા ઓટો રિક્ષા ચલાવે છે. એક અઠવાડિયા પહેલા બંને વચ્ચે રીક્ષામાં મુસાફરો બેસાડવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં મંગળવારે સવારે બંને વચ્ચે આજવા રોડ પાસે ઝઘડો થયો હતો. સવારે હાર્દિક ઉર્ફ લાલા ભરવાડ પોતાની રીક્ષા લઇને આજવા રોડ ખાતે આવી પહોંચ્યો હતો. તે સમયે સરફરાજ બચારવાલા પણ હાજર હતો. મુસાફરો બાબતે જોતજોતામાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઇ હતી.