સુરત : શહેરના ડીંડોલી વિસ્તારની હરિદ્વાર સોસાયટીમાં પ્રેમસંબંધમાં પ્રેમિકાના ભાઇએ તેના બે મિત્રો સાથે મળી પ્રેમીને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. આ ઘટના રવિવારની મોડી રાત્રે બની હતી. ડીંડોલી પોલીસે ગુનો નોંધી CCTVના આધારે તપાસ હાથ ધરી છે.
સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરી સતત વધી રહી છે. છેલ્લા 15 દિવસમાં 5 હત્યાની ઘટના સામે આવી છે. ત્યારે રવિવારે મોડી રાત્રીના સમયે ડીંડોલી-નવાગામ વિસ્તારની હરિદ્વાર સોસાયટીમાં રહેતા કપિલ સુદામ શિરશાથને છેલ્લા કેટલાક સમયથી સોસાયટીમાં જ રહેતી યુવતિ સાથે પ્રેમસંબંધ હતો. તેઓ વચ્ચે મોબાઇલ પર વાતચીત થતી હતી અને નિયમીત રૂપે મળતા હતા.
આ વાતની જાણ યુવતિના ભાઇ ગણેશ ચિત્તેને થઇ હતી. જેથી ગણેશે પોતાની બહેનથી દૂર રહેવા કપિલને ઉગ્ર શબ્દોમાં કહ્યું હતું. આ મુદ્દે બન્ને વચ્ચે ઝઘડો પણ થયો હતો. ગણેશે ઠપકો આપ્યા બાદ પણ કપિલ નિયમીત રૂપે તેની પ્રેમિકાને મળતો હતો. જેથી ઉશ્કેરાયેલા ગણેશે ગત રાત્રે તેના બે મિત્રો સાથે મળી કપિલ પર ચપ્પુ વડે હુમલો કરી ઉપરાછાપરી ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો.
આ ઘટના CCTV કેદ થઇ હતી. CCTV ફૂટેજ જોતા એવું લાગી રહ્યું છે કે, જાહેર રોડ પર આ લોકોને પોલીસનો કંઈ ડર ન હોય તેમ ચપ્પુના ધા મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનામાં ગણેશ અને તેના બે મિત્રોએ કપિલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણેશ અને તેના બે મિત્રોની શોધખોળ હાથ ધરી છે.
ભાઇએ બે મિત્રો સાથે મળી બહેનના પ્રેમીની હત્યા કરી ઉલ્લેખનીય છે કે, સુરતમાં સતત હત્યાના બનાવી બની રહ્યા છે. હાલમાં જ સુરતમાં નવા પોલીસ કમિશનર તરીકે અજય તોમરે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ડાયમંડ સીટીમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટશે કે નહીં.