- પગાર વધારો અને અન્ય સમસ્યાઓને કારણે નોંધાવ્યો વિરોધ
- ગેટ પાસે 100થી 150 કામદારો ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા
- માંગ નહીં સંતોષાય તો હડતાલની ચીમકી ઉચ્ચારી
- સમાધાનનો પ્રયાસ નિષ્ફળ રહેતા ફરી હોબાળો કર્યો
- મજદૂર યુનિયને પણ કામદારોની સમસ્યા સાંભળી
સુરત: જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે આવેલી ગાર્ડન સિલ્ક મિલના કામદારોનો છેલ્લા અઢી વર્ષથી પગારમાં વધારો નહીં થતાં અને મિલમાં કોઈ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન હોવાથી કામદારો ગેટ પર ભેગા થઈ સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કામદરો કામથી અળગા રહ્યા હતા અને તેમની માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ એક દિવસની હડતાલ પાડી LIC કર્મચારીઓેએ સરકારના ખાનગીકરણના નિર્ણયનો વિરોધ કર્યો
કામદારોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો
એક તરફ કોરોના વાઈરસની મહામરી ચાલી રહી છે તો બીજી તરફ મોંઘવારીએ માજા મૂકી છે. પગાર વધારાની માંગ સાથે પલસાણાના જોળવા ખાતે આવેલી ગાર્ડન સિલ્ક મિલના 100થી વધુ કામદારોએ શનિવારના રોજ ગાર્ડન મિલની બહાર હોબાળો મચાવ્યો હતો. પગારની સાથોસાથ સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો સાથે 100થી વધુ કામદારો સવારથી જ ગેટ બહાર બેસીને 'હમારી માંગે પુરી કરો'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાર્ડન મિલના જવાબદાર વ્યક્તિએ કામદારો સાથે વાતચીત કરી સમાધાનનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કામદારોની માંગ નહીં સંતોષાતા કામદારોએ ફરીથી ગેટ ઉપર જ હોબાળો કર્યો હતો.