- સુરતમાં પીએસઆઈ અમિતા જોશી આપઘાત કેસ મામલો
- પીએસઆઈ જોશીનો 5 મિનીટનો એક વીડિયો આવ્યો સામે
- પોલીસ કર્મચારીઓને સકારાત્મકતા અંગે આપતા હતા માર્ગદર્શન
- કવિતાઓની પંક્તિથી પોલીસ કર્મચારીઓને કર્યા હતા પ્રોત્સાહિત
સુરત: આત્મવિશ્વાસથી ભરપૂર સુરતની મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કરી લેતા લોકો આજે પણ આ વાતથી ઉભરી શક્યા નથી. આજે પણ લોકો આ વાતને માનવા તૈયાર નથી. હાલ અમિતા જોશીનો 5 મિનીટનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કવિતાની પંક્તિઓના માધ્યમ દ્વારા પોતાના અનુભવથી નવા પોલીસ કર્મચારીઓને સકારાત્મક રહી દરેક કાર્યને પૂરુ કરવા ઉત્સાહિત કરે છે. વીડિયો જોયા બાદ ક્યારેય નહીં લાગશે કે, આ જાંબાઝ અધિકારી આપઘાત જેવો કૃત્ય કરવા માટે વિચારી પણ શકે છે.
પીએસઆઈ જોશીનો 5 મિનીટનો એક વીડિયો આવ્યો સામે હસમુખ અને લોકોને હંમેશા લોકોને પ્રેરણા આપતી હતી
પરિવાર ક્લેશના કારણે અમિતાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો છે, જે પોલીસ અધિકારી હસમુખ અને લોકોને હંમેશા લોકોને પ્રેરણા આપતા હતા. પોલીસ સબ ઈન્સ્પેક્ટર અમિતા જોશીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અમિતા પોતાના કમાન્ડો ટ્રેનિંગના અનુભવ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને નવા પોલીસ કર્મચારીઓને જણાવે છે. આ વીડિયો સાંભળીને કોઈ પણ ચોંકી જશે કે આટલી હદે સકારાત્મક રહેનારા કોઈ પોલીસ અધિકારી પોતાનો જીવ ટૂંકાવી દેશે? અમિતાની સ્પીચ સાંભળી ત્યાં હાજર લોકો ક્યારેક તાળી બજાવે છે તો ક્યારેક પેટ પકડી હસે છે..
ફિલ્ડમાં બધી વસ્તુ શક્ય છે
થોડા દિવસ પહેલા ઉમરા પોલીસ મથકમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ અને ટ્રેઈની પોલીસ કર્મચારીઓ બેઠા હતા. તેમાં પીએસઆઈ અમિતા જોશીએ વક્તવ્ય આપ્યું હતું. પોતાના જીવનમાં જે પણ શીખવા મળ્યું છે. તેનો અનુભવ બધાની સામે વ્યક્ત કર્યો હતો. અમિતા જોશી આ વીડિયોમાં કમાન્ડો ટ્રેનિંગ માટે કહે છે કે, રસમ અહીંની જૂદી, નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા. કમાન્ડો ટ્રેનિંગ દરમિયાન શીખવા મળ્યું કે જે આત્મવિશ્વાસ છે તે ખૂબ જ જરૂરી છે. ટ્રેનિંગમાં રનિંગના કારણે ડિપ્રેશનમાં રહેતા હતા, પરંતુ જો મનથી ધારી લઈએ કે, મારાથી થઈ જશે તો થશે જ. કરાટે દરમિયાન સર કહેતા હતા 'you can do it' ત્યારે મનની અંદર બેસી ગયું કે 'I can do it', ' we can do it' અમે કરી શકીએ છીએ. હું એક પીએસઆઈ અધિકારી તરીકે મિત્રો તમને કહેવા માગું છું કે, જો આવી રીતે તમે ઈન્વેસ્ટિગેશન અથવા પોલીસ સ્ટેશનમાં વિચારો કે અમે આ કરી શકીએ છે તે ચોક્કસથી તે કાર્ય પૂર્ણ થશે. બીજી વાત કે જે રીતે જંગલ તાલીમમાં અથવા તો ફિઝિકલ રીતે જે પણ શીખવા મળ્યું અને આપણા અધિકારીઓ દ્વારા જે જાણકારીઓ મળી તેનો ખુબ ખુબ આભાર માનું છું. માતાપિતાને બાળક નાનું હોય અને કડવું દવા પીવડાવે અને બાળકને ન ગમતું હોય અને બાળક દવા ફેંકી દેતો હોય છે. શરૂઆતમાં અમને એવું જ થતું હતું કે આ બધું શું છે? આવી કોઈ ટ્રેનિંગ થતી હોય? આ બધું શું કામ આવવાનું? જે રીતે માતાપિતા બાળકના ગળામાં દવાના ઘૂંટડા ઉતરતા હતા તે જ કડવાં ઘૂંટડા અધિકારીઓએ અમને ઉતરાવ્યા. જે આજે ખૂબ જ કામ આવ્યા છે. અમે માનસિક રીતે આટલી હદે તૈયાર થઈ ગયા છે કે, ફિલ્ડમાં ખાસ કામ કરવાનું. હું વિચારું છું કે વજન લઈ 22 કિલોમીટર સુધી રનિંગ કરવું એ શક્ય નથી. જો આ વસ્તુ શક્ય બની ગઈ તો ફિલ્ડમાં બધી વસ્તુ શક્ય છે..
પીએસઆઈ જોશીએ કહ્યું હતું કે, મારામાં આવેલો આત્મવિશ્વાસએ કમાન્ડો ટ્રેનિંગની દેન છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીવનમાં હંમેશા એક વાત યાદ રાખવાની કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. કમાન્ડો ટ્રેનિંગમાં વધારે કોન્ફિડન્સ લેવલ મળ્યો. મારી અંદર જે વધારે કોન્ફિડન્સ લેવલ છે, સ્પીચ આપવાનો અને જે વધારે પડતો ઉત્સાહ છે તે આ કમાન્ડો ટ્રેનિંગ દરમિયાન આવ્યા છે. તેણે જણાવ્યું હતું કે, સૌથી અગત્યનું હોય છે મોટિવેશન. હું એકલી નહીં પરંતુ જ્યારે બધા કરતા હોય છે અને જે તમને મોટિવેશન કરે અને ખાસ કરીને રામાણીસર કે 'તુમ કર સકતી હો, કયું નહીં હોગા!!!.. મેં ભી લડકી હું તુમ લડકી હો તો ક્યો નહીં કર શકતી' ત્યારે મનમાં લાગતું કે હું પણ છોકરી છું અને તેઓ પણ છોકરી છે વાત તો સાચી છે..
'જે પણ થાય છે તે સારા માટે થાય છે અને જે પણ થશે તે સારા માટે થશે'
જોશીએ કહ્યું હતું કે, મોટિવેશન મગજની ગેમ છે. જો તમે મગજથી વિચારી લો કે, હું આ કરી શકું છું. હું કેમ ન કરી શકું. મારાથી કેમ નથી થતું આ તો હું કરીને જ રહીશ અને થોડીક વાર નેગેટિવ વિચાર પણ આવે છે. અહીં, તો રોજ કરવાનું છે. ચાલવાનું છે. તે કહે છે કે, ડોન્ટ વરી જે પણ થાય છે તે સારા માટે થાય છે અને જે પણ થશે તે સારા માટે થશે.
પીએસઆઈ જોશીએ કહેલી પંક્તિઓ
'મરીશું તો મોતને જાણ થઈ જઈશું, પડીશું આગમાં તો આગનો સામાન થઈ જઈશું, આમ ઉછાળા મારીને અમને પાછા ન પાડો સાગર કિનારે ઊભા રહીશું તો તોફાન બની જઈશું. અરમાન છે ઘણા જિંદગીના એકાદ બે પૂરા થાય તે પણ ઘણું, અલબેલી દુનિયામાં અસહ્ય વેદના સહેવાય તે પણ ઘણું. એમાંથી કંઈ પણ ન થાય. અહીંથી ઈજ્જતનો કફન ઓઢીને જવાઈ તો પણ ઘણું, એમાંથી પણ કંઈ નહીં થાય તો અમારા ગયા પછી આ મહેફિલને અમારી ખોટ વર્તાય તે પણ ઘણું.