- વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં
- સ્કૂલના વાલીઓ કલેકટર કચેરીએ પહોચ્યા
- દર 15 દિવસે બાળકોને ઓનલાઈન ક્લાસમાંથી કાઢી મુકવામાં આવે છે
સુરત: વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલના વાલીઓ આજે કલેકટર કચેરી પહોચ્યા હતા અને આવેદન આપી રજૂઆત કરી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે સ્કુલ દ્વારા બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે અમે નિયત પ્રમાણે ફી ભરવા તૈયાર છીએ પરંતુ શાળા દ્વારા પૂરી ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં સ્કુલ ફીને લઈને વાલીઓનો વિરોધ યથાવત રહ્યો છે.
સ્કૂલ દ્વારા પૂરેપૂરી ફી ભરવા દબાણ
આજે ફરી એક વખત વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સ્કૂલના વાલીઓ આજે કલેકટર કચેરી પહોચ્યા હતા અને આવેદન આપી રજૂઆત કરી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે કોરોનાને લઈને દરેક લોકોની હાલત કફોડી બની છે. સ્કૂલ દ્વારા પૂરે-પૂરી ફી ભરવા દબાણ કરવામાં આવે છે અને ફી માટે બાળકોને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવતા વાલીઓએ ડી.ઈ.ઓ. અને એફ.આર.સી. કચેરીમાં રજૂઆત પણ કરી હતી. પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. બાળકોને ટોર્ચર કરવામાં આવતો હોવાનો આક્ષેપ.
શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ટોર્ચર
વાલીઓએ જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો બાળકોને ટોર્ચર કરીને ફી ભરવા માટે જણાવી રહ્યા છે. દર 15 દિવસે બાળકોને ઓનલાઈન ક્લાસમાંથી કાઢી મુકવામાં આવે છે. તેમજ બાળકોને જણાવી રહ્યા છે કે તમારા વાલીઓ ફી નહિ ભરે તો પરીક્ષા આપવા દેવામાં નહિ આવે.