- વિશ્વના 175 દેશો હીરાની ખરીદી કરવા માટે સુરત ડાયમંડ બુર્સ આવશે
- સુરત ડાયમંડ ક્લબમાં 28000 સ્ક્વેર ફુટની જગ્યામાં કસ્ટમ કચેરી તૈયાર થશે
- સુરત ડાયમંડ બુર્સમાં કુલ 4500 ઓફિસ આવેલી છે
સુરત : હીરાના આયાત અને નિર્યાત માટે વિશ્વનું સૌથી મોટું બુર્સ સુરતમાં બની રહ્યું છે. વિશ્વના 175 દેશો હીરાની ખરીદી કરવા માટે સુરત ડાયમંડ બુર્સ ( Diamond Bourse ) આવશે. જ્યારે બે લાખ કરોડ રૂપિયાનો વેપાર આ સુરત ડાયમંડ બુર્સમાં થનાર હોય ત્યારે કસ્ટમ ઓફિસની જરૂરિયાત ચોક્કસથી રહેશે. આ જ કારણ છે કે આ પ્રોજેક્ટના પ્રાઈમ લોકેશન એટલે સુરત ડાયમંડ ક્લબમાં ( Surat Diamond Club ) 28000 સ્ક્વેરફુટની જગ્યામાં કસ્ટમ કચેરી તૈયાર થશે. જે ભારત ડાયમંડ બુર્સની કસ્ટમ કચેરી કરતાં પણ ઘણી મોટી રહેશે. 2021 અંત સુધીમાં આ આખો પ્રોજેકટ પૂર્ણ થઈ જશે અને પીએમ નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
ડાયમંડ બુર્સમાં કુલ 4500 ઓફિસ
સુરત ડાયમંડ બુર્સના ( Diamond Bourse ) સીઈઓ મહેશ ગઢવીએ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સમાં કુલ 4500 ઓફિસ છે. તેની સાથે એક ડાયમંડ કલબ ( Surat Diamond Club ) બની રહી છે. આ ડાયમંડ ક્લબની અંદર કસ્ટમ ઓફિસ આવશે. જેમાં પોતે સુરત ડાયમંડ બુર્સ કસ્ટમ કસ્ટોડિયન બનશે એટલે કે આ સુવિધા પોતે સુરત ડાયમંડ બુર્સ પ્રોવાઇડ કરશે, જે રીતે ભારત ડાયમંડ બુર્સમાં છે. કસ્ટમ ઓફિસ શરૂ કરવા માટે સુરત ડાયમંડ બુર્સ દ્વારા એપ્લાય કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાનમાં તેમની જેમ પ્રક્રિયા થતી હોય છે તેના અંતર્ગત અધિકારીઓ વિઝીટ માટે આવ્યાં હતાં અને તેઓએ સેફટી સિક્યુરિટી અને ફિઝિબિલિટી આવીને જોઈ છે અને તેમની વિઝીટ સંતોષકારક રહી છે. હવે જે અમે કસ્ટમ હાઉસ માટે એપ્લાય કર્યું છે તેની પ્રોસિજર આગળ વધશે.