- તાપી જિલ્લામાં પણ વાઇરલ થયો હતો વીડિયો
- પોલીસે કન્યાના પિતા સહિત ત્રણની અટક કરી
- મોટી સંખ્યામાં લોકો ડી.જે.ના તાલે ઝૂમી રહ્યા હતા
બારડોલી: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકૂઈ ગામમાં ભાજપ નેતા ઈદ્રિશ મલેકે પોતાની પુત્રીના લગ્ન પ્રસંગમાં જંગી ભીડ એકઠી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે આયોજક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તાજવીજ હાથ ધરી છે.
ભાજપના નેતાની પુત્રીના હતા લગ્ન
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા વેરાકુઈ ગામમાં રહેતા ભાજપના નેતા ઇદ્રિસ મલિકની પુત્રીના લગ્ન પ્રસંગમાં ડી.જે.નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ કોરોના મહામારીને કારણે લગ્ન જેવા પ્રસંગોમાં વધુ ભીડ એકત્રિત ન થાય તે માટે સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. તેમ છતાં આવા પ્રસંગોમાં ભીડ એકત્રિત થતી હોવાના વીડિયો વાઇરલ થતા રહે છે.
સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા તાપી જિલ્લાના વેલદા તાલુકામાં પણ નોંધાયો હતો ગુનો
તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદા ગામનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ દ્વારા આયોજક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને નિઝર PSI તેમજ બીટ જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:તાપીમાં વધુ એક વાર લગ્નમાં સામાજીક અંતરના ધજાગરા, હજારોની સંખ્યામાં ઝૂમતા યુવાનોનો કોરોનાને લલકાર
મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયું ન હતું
આ ઘટના બાદ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનો પણ એક વીડિયો વાઇરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. આ વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ડીજે નાઈટમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને સંગીતના તાલે મન મૂકીને નાચ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ વિના કોઈએ માસ્ક પણ પહેર્યા ન હતા. આ દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો. તપાસ કરતા આ વીડિયો વેરાકુઈ ગામના ભાજપના નેતા ઈદ્રિસ મલિકની પુત્રીના લગ્ન પ્રસંગનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્થળ પર જઈ કાર્યવાહી શરૂ કરી હતી.
જવાબદાર સામે કાર્યાવહી કરાશે
માંગરોળ PSI પી.એચ. નાઈએ જણાવ્યું હતું કે, આ વીડિયો વાઇરલ થતા અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી અને જે તે આયોજકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં બે પોલીસકર્મીઓ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પરંતુ PSIએ આ બાબતે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો:બોટાદમાં ભારતીબેન શિયાળના અભિવાદન સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા
માંગરોળ પોલીસે 4 ઈસમો સહિત 100 લોકોના ટોળા સામે નોંધ્યો ગુનો
લગ્નના આયોજક કન્યાના પિતા ઇન્દ્રેશ મલિક, કાકા મકસુદ મલેક, ગિરીશ વસાવા, હરેશભાઈ સહિત 100 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો હતો. માંગરોળ પોલીસે ઈંદ્રિશ મલેક સહિત અન્ય 3 લોકોની અટકાયત કરી છે.