- મઢીમાં જ જિલ્લામાં પહેલો બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો હતો
- વધુ બે કાગડા મૃત હાલતમાં મળતા લોકોમાં ભય
- વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા કરાઈ
સુરત: બારડોલી તાલુકાનાં મઢી ગામમાંથી શનિવારના રોજ વધુ બે કાગડાના મોત થયા છે. કાગડાઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ ફરી એક વખત મૃત કાગડા મળી આવતા વનવિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ કાગડાઓના થઈ રહેલા મોતથી વિસ્તારના લોકોમાં પણ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી વિસ્તારમાં કાગડાઓના મોત
છેલ્લા કેટલાક સમયથી બારડોલી તાલુકામાં કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. બારડોલી શહેર અને મઢીમાં અગાઉ મળી આવેલ કાગડાઓના મોત બર્ડ ફ્લૂને કારણે થયા હોવાથી કાગડાઓમાં બર્ડ ફ્લૂનું સંક્રમણ ફેલાયું હોવાની હકીકત પુરવાર થઈ છે.
પક્ષીઓ સાથે જોડાયેલી પ્રવૃત્તિ પર છે પ્રતિબંધ
વહીવટી તંત્ર દ્વારા પક્ષીઓને લગતી તમામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સાવચેતીના ભાગ રૂપે છેલ્લા કેટલાક દિવસોથી મરઘાં ફાર્મ અને ચિકન-ઈંડા શોપ પણ બંધ કરી દેવાય છે. આ રોગ મરઘાં સહિતના પાલતુ પક્ષીઓમાં ન ફેલાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે.
મઢીમાંથી વધુ બે કાગડા મૃત હાલતમાં મળતા તંત્રની ચિંતા વધી
શનિવારે મઢીના ગાંધીનગર ફળિયામાં સ્કૂલ નજીકથી વધુ બે કાગડા મૃત હાલતમાં મળી આવતા તંત્રની ચિંતા વધી છે. સમગ્ર પરિસ્થિત પર જિલ્લા કલેક્ટરની નિગરાનીમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગ સંકલનમાં રહી કામ કરી રહ્યા છે.
અગાઉ પુષ્ટિ થઈ ચૂકી છે કે કાગડાના મોત બર્ડ ફ્લૂથી
બારડોલીના આર.એફ.ઑ. સુધાબેને પણ શનિવારના રોજ મઢીમાં બે કાગડાના મોત થયા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, અગાઉ કાગડાના રિપોર્ટ પોઝિટિવ આવતા કાગડામાં બર્ડ ફ્લૂ હોવાનું કન્ફર્મ થઈ ગયું છે. તેથી હવે વધુ રિપોર્ટ લેબમાં મોકલવાની જરૂર રહેતી નથી. મૃત કાગડાઓનો ગાઈડલાઇન અનુસાર નિકાલ કરવામાં આવશે.