સુરત: નવી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં 2 આરોપીઓ સિગારેટના કસ મારતા અને મોબાઈલ ફોનમાં ગેમ રમતા જોવા મળી રહ્યા છે.
સુરત સિવિલના કોરોના વોર્ડમાં 2 આરોપી સિગારેટ પીતા જોવા મળ્યા - વાયરલ વીડિયો
પોલીસે ઘરપકડ કરેલા આરોપીના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જેથી જે આરોપીમાં કોરોનાના લક્ષણ દેખાય છે, તે આરોપીઓને સિવિલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. આવા જ દાખલ કરાયેલા 2 આરોપી કોરોના વોર્ડમાં સિગારેટ પીતા અને ગેમ રમતા જોવા મળ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેથી ફરી એક વખત નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. આ સમગ્ર મામલા અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવા અગાઉ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જેથી આ બન્ને આરોપીનો કોરોના ટેસ્ટ કરવા માટે તેમને નવી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આ બન્ને આરોપી સિગારેટ પીતા અને મોબાઈલમાં ગેમ રમતા જોવા મળ્યા છે. આરોપી પાસે સિગારેટ અને મોબાઈલ આવવાથી સિવિલ સ્ટાફ અને પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઉભા થયા છે.
આ વીડિયો વાયરલ થતાં ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ રાગીનીએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પોલીસને પણ આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. આ સાથે જ બોર્ડમાં હાજર સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે.