બારડોલી: શહેર સહિત સમગ્ર જિલ્લામાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. તસ્કરોએ શુક્રવારે રાત્રે તાલુકા પંચાયત કચેરી પરિસરમાં આવેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તાલીમ ભવનના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. આ ભવનમાં હાલમાં સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના અને મિશન મંગલમ યોજનાની ઓફિસો કાર્યરત છે. શુક્રવારના રોજ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લોખંડના શટર વાળા મુખ્ય દરવાજાને મારેલું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ભવનમાં આવેલી અલગ અલગ ઓફિસોના કબાટ અને ટેબલના ખાના ખોલી સરસામાન તેમજ ફાઈલો વેરવિખેર કરી નાંખી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઓફિસમાં કોઈ કિંમતી સામાન ન હોવાથી તસ્કરોને કંઈ જ હાથ લાગ્યું ન હતું. તસ્કરોએ કમ્પ્યુટર અને અન્ય સાધાન સામગ્રીને નુકસાન પહોંચાડ્યો હતો. બીજી તરફ આ જ પરિસરમાં આવેલા ક્વાટર્સમાં રહેતા તાલુકા પંચાયતના સેવક ગમનભાઇ મગનભાઇ હળપતિની 30 હજારની મોટરસાયકલ તેમના ઘરના આંગણામાંથી ચોરી થઈ ગઈ હતી
બારડોલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તાલીમ ભવનને તસ્કરોએ નિશાન બનાવ્યું, તાલુકા પંચાયત પરિસરમાંથી બાઈકની ચોરી
બારડોલી તાલુકા પંચાયત કચેરી પરિસરમાં આવેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તાલીમ ભવનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ભવનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર આવેલા અલગ અલગ વિભાગની ઓફિસના કબાટ અને ટેબલના ખાના ખોલી સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. તેમજ પરિસરમાં જ આવેલા ક્વાટર્સમાંથી એક તેમજ બાજુમાં આવેલી શીતલ નગર સોસાયટીમાંથી બે મળી કુલ ત્રણ મોટર સાયકલની ચોરી કરી ગયા હતા.
Bardoli crime
આ ઉપરાંત તાલુકા પંચાયત કચેરીની બાજુમાં આવેલી શીતલ નગરમાં રહેતા જયેશભાઈ લાલજીભાઈ રાબડિયા અને કલ્પેશભાઈ રમણભાઈ મિસ્ત્રીની બે મોટર સાયકલ કિમત રૂ. 50 હજારની તસ્કરો ચોરી કરી ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે બારડોલી પોલીસે ગમનભાઇ હળપતિની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.