- એસ્સારના પૂર્વ એન્જીનિયરની હત્યાનો ભેદ ઉકેલાયો
- પાડોશી મહિલાએ કરોડો રુપિયાની લાલચમાં કરાવ્યું કામ
- સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા
સુરતઃ 2 એપ્રિલે સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા કાંદી ફળીયામાં રહેતા ભૂપેન્દ્રભાઈ ગોવિદભાઈ પટેલની અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસી હત્યા કરી લૂંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. આ ઘટનામાં તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે ખરવાસા જતાં રોડ પરથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાં છે. ઝડપાયેલા આરોપીઓના નામ વિશાલ લાખાભાઈ વાણીયા, પ્રતાપ હરસુરભાઈ ઉર્ફે ચીનાભાઈ ગીડા, મિથુન ઉર્ફે શેટ્ટી મોહન, પીન્ટુ અર્જુનભાઈ ચૌધરી અને કેતન રમેશભાઈ હડિયા છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે બે પિસ્ટોલ, બે કારતૂસ,બે ચોરીની બાઈક, 8 મોબાઈલ, 1 લાખની રોકડ મળી કુલ 2.46 લાખની મતા કબજે કરી હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા આરોપી પ્રતાપે જણાવ્યું હતું કે ગત 27 માર્ચના રોજ મુંબઈ ખાતે રહેતી ચેતનાબેનની ઓળખીતા બહેને ફોન કરીને જણાવેલું કે પોતાની બહેન ચેતના ડુમસ ગામમાં રહે છે. તેઓના મકાનના બાજુમાં રહેતા આધેડ વ્યક્તિએ જમીન વેચતા તેઓની પાસે રોકડા 3 થી 4 કરોડ રૂપિયા છે અને તે ઇસમ ઘરમાં એકલો જ રહે છે. તેના ઘરમાં જઈને રોકડા રૂપિયાની લૂંટ કરવાની છે. જેથી આરોપીઓએ પૂણા વિસ્તારમાંથી બે બાઈક ચોરી કરી હતી અને ઘરમાં ઘૂસી આધેડના પગ ચાદર વડે બાંધી મોઢામાં ડૂચો મારી તેનું મોત નીપજાવ્યું હતું અને કબાટમાંથી 4 લાખ રુપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયાં હતાં.
1.60 કરોડની લૂંટની યોજના બનાવી હતી
વધુમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ બદલાપુર-મુંબઈ ખાતે વાંગની હાઇવે પર એક બંગલામાંથી 1.60 કરોડની લૂંટની યોજના બનાવી હતી. જે જગ્યાની રેકી કરતાં તે ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રીઓની જરૂર હોય તેના માટે આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીની પૂછપરછમાં ડુમસમાં થયેલી હત્યા અને ધાડનો ગુનો અને પૂણા વિસ્તારમાં નોંધાયેલા બે બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
આ પણ વાંચોઃમોંઘીદાટ હોટેલમાં રોકાઈને મોજશોખ માટે લૂંટ કરનારો આરોપી ઝડપાયો