- શહેરના મીઠાઈ વિક્રેતાઓના ત્યાં અલગ અલગ વેરાયટીઝની ઘારીઓ કરાઈ રહી છે તૈયાર
- છેલ્લા 122 વર્ષથી સુરતના જમનાદાસ ઘારીવાળા મીઠાઈ વિક્રેતા કરે છે ઘારીનું વેચાણ
- દર વર્ષે કરોડો રૂપિયાની ઘારી અને ભુસાનું વેંચાણ કરવામાં આવે છે
સુરત : વર્ષોથી સુરતમાં ચંદની પડવો રંગેચંગે ઉજવાય છે. સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી ઝાપટે છે. સુરતની સ્વાદપ્રિય ઘારીની ડિમાન્ડ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ- વિદેશમાં પણ છે, ત્યારે સુરતીલાલાઓની ડિમાન્ડને લઈ શહેરભરના મીઠાઈ વિક્રેતાઓના ત્યાં અલગ અલગ વેરાયટીઝની ઘારીઓ પણ તૈયાર કરી દેવામાં આવી છે. છેલ્લા 122 વર્ષથી સુરતના જમનાદાસ ઘારીવાળા મીઠાઈ વિક્રેતા ઘારીનું વેચાણ કરે છે. જેનો ઇતિહાસ ખૂબ જ રોચક છે.
લાખો કિલોની ઘારીનું વેંચાણ
સુરતીઓના સ્વાદપ્રિય તહેવાર ચંદની પડવાના પર્વને હવે માંડ માંડ બે દિવસ બાકી છે, ત્યારે લાખો કિલોની ઘારી ઝાપટી જવા સુરતી લાલાઓ પણ ભારે આતુરતાપૂર્વકની વાટ જોઈ બેઠા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં ચંદની પડવાની ઉજવણી કંઈક ખાસ થવાની છે. બુધવારના રોજ ચંદની પડવાનો પર્વ છે, જેને લઈ સુરતના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા અલગ અલગ વેરાયટીઝની ઘારીઓ તૈયાર કરી દેવામાં આવી છે. ચંદની પડવાની ઉજવણી કરવા સામાન્ય લોકોની સાથે ખાસ સુરતીઓ ભારે ઉત્સુક જોવા મળી રહ્યા છે. ચંદની પડવાના પર્વને ફક્ત બે દિવસ જેટલો સમય બાકી છે. જો કે તે પહેલાં સુરતીલાલાઓ મીઠાઈની દુકાનો પરથી "ઘારી "ની પૂર્વ ખરીદી કરી રહ્યા છે.
ચંદની પડવા પર ઘારી ન વેચવા અને દુકાનો બંધ રાખીને આંદોલનને ટેકો
સુરતીઓ વર્ષોથી ઘારી ચંદની પડવાના દિવસે ખાય છે, પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે એક ચંદની પડવો એવો હતો જેને સુરતીઓએ મનાવ્યો ન હતો અને ઘારીને પણ પોતાની જીભથી દૂર રાખી હતી. વર્ષ 1942નો એ ચંદની પડવો સુરતની ઐતિહાસિક તારીખ બની ગયો, ત્યારે ભારત પર બ્રિટીશ સલ્તનતની હુકુમત ચાલતી હતી. આઝાદી માટેની લડાઇ જન આંદોલન બની ચુકી હતી. અંગ્રેજોને ખદેડવા માટે ગાંધીજીએ ક્વિટ ઇન્ડિયા અને કરેંગે યા મરેંગેનો નારો આપતા લોકો આઝાદીની લડાઇમાં જીવ હથેળી પર લઇને કૂદી પડયા હતા. અનેક લોકો શહીદ થઇ રહ્યા હતા. એ જ સમયે સુરતનો ફેવરિટ તહેવાર ચંદની પડવો આવી રહ્યો હતો. દેશમાં લોકો શહીદ થઇ રહ્યા હોય અને જેલમાં જઇ રહ્યા હોય ત્યારે આપણે ઘારી ઝાપટીએ એ કેવુ લાગે ? એવો સવાલ એ સમયે મિઠાઇ-ફરસાણ એસોસીએશનનાં પ્રમુખ જમનાદાસ ઘારીવાલાને થયો અને તેમણે આ ચંદની પડવા પર ઘારી ન વેચવા અને દુકાનો બંધ રાખીને આંદોલનને ટેકો આપવાની અપિલ કરી હતી. એ અપિલ શહેરના તમામ દુકાનદારોએ સહર્ષ સ્વીકારી લીધી, અને તે દિવસે ઘારી ન બનાવી, ન વેચી અને દુકાનો ન ખોલી હતી. દુકાનદારો માટે કમાણી કરવાનો આ શ્રેષ્ઠ દિવસ હતો તેમ છતા દુકાનો પર તાળા લટકતા હતાં.
કાશીનું મરણ અને સુરતનું જમણ