ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: મોડી રાત્રે નશામાં ધૂત વ્યક્તિ ટ્રેનની અડફેટે આવતા બંને પગ કપાયા - અમરોલી સાયણ રેલવે ટ્રેક

સુરતના અમરોલી સાયણ રેલવે ટ્રેક (Surat Amroli Sayan Railway Track) ઉપર એક અજાણ્યો ઈસમ દારૂના નશામાં મોડી રાત્રે ટ્રેન (train)ની અડફેટે આવતા તેના બંને પગ કપાઈ ગયા હતા. પગ કપાતા તે વ્યક્તિ ટ્રેક (Railway Track)ની બાજુમાં આવેલી ખાડીમાં પડી ગયો હતો. તે 6 થી 8 કલાક સુધી આજ હાલતમાં ખાડીમાં પડી રહ્યો હતો, ત્યારબાદ સવારે કામે જઇ રહેલા તેના મિત્રોની નજર પડતા તેને 108 મારફતે સારવાર માટે હૉસ્પિટલ પહોંચાડ્યો હતો.

નશામાં ધૂત વ્યક્તિ ટ્રેનની અડફેટે આવતા બંને પગ કપાયા
નશામાં ધૂત વ્યક્તિ ટ્રેનની અડફેટે આવતા બંને પગ કપાયા

By

Published : Oct 9, 2021, 3:13 PM IST

  • અમરોલી સાયણ રેલવે ટ્રેક પર મોડી રાત્રે ટ્રેનની અડફેટે આવ્યો એક વ્યક્તિ
  • ટ્રેનની અડફેટે આવતા નશામાં ધૂત વ્યક્તિના બંને પગ કપાયા
  • 6-8 કલાક સુધી ઘાયલ અવસ્થામાં રેલવે ટ્રેકની બાજુના ખાડામાં પડ્યો રહ્યો

સુરત: અમરોલી સાયણ રેલવે ટ્રેક (Surat Amroli Sayan Railway Track) ઉપર મોડી રાત્રે એક અજાણ્યો ઈસમ જેનું નામ ગોલુ છે તે સુરતના અંજની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ લુમસ (Anjani Industrial Estate Lumas)ના કારખાનામાં કામ કરે છે. ગત મોડી રાત્રે તે દારૂના નશામાં ચાલતો ચાલતો અમરોલી સાયણ રેલવે ટ્રેક ઉપર આવી પહોંચ્યો હતો. ત્યાં તે નશામાં હોવાથી રિલાયન્સ કંપની (Reliance Company)ના રેલવે ટ્રેક ઉપર પડી ગયો હતો, ત્યાં જ અચાનક ટ્રેન આવવાને કારણે ગોલુના બંને પગ કપાઈ જતા તે ટ્રેકની બાજુમાં આવેલા ખાડામાં પડી ગયો હતો. વહેલી સવારે તેના મિત્રો નોકરી માટે જતા હતા ત્યારે આવી હાલતમાં તેને જોતા તરત જ 108ને જાણ કરી હતી. તે ઇજાગ્રસ્ત હાલતમાં 6 થી 8 કલાક સુધી આજ હાલતમાં ખાડીમાં પડી રહ્યો હતો. ત્યારબાદ તેને વહેલી સવારે મિત્રો દ્વારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડવામાં આવ્યો હતો.

અંજની ઇન્ડસ્ટ્રિયલ ઇસ્ટેટ લુમસના કારખાનામાં કરે છે કામ

તેના મિત્ર જહાન સિંગ દ્વારા જણાવવામાં આવ્યું કે, "અમે બધા એક સાથે જ અંજની ઇન્ડસ્ટ્રિયલ ઇસ્ટેટ લુમસના કારખાનામાં કામ કરીએ છીએ. ગત મોડી રાત્રે ગોલુ નશાની હાલતમાં જોવા મળ્યો હતો. તે કરિયાણું લેવા માટે દુકાનમાં ગયો હતો. ત્યાંથી તે પરત ફર્યો નહોતો. વહેલી સવારે અમે કામ માટે જ્યારે નીકળે ત્યારે રેલવે ટ્રેક બાજુમાં આવેલ નાનકડી ખાડીમાં તે પડ્યો હતો. મારા મિત્રને અમે જોયો તો તેના બંને પગ કપાઈ ગયા હતા. અમે તરત 108ને જાણ કરી હતી. ત્યાંથી અમે તરત સુરત સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. તેના બંને પગ કપાઈ ગયા હોવા છતાં પણ તેના મુખ ઉપર કોઈપણ અફસોસ અમને જોવા મળ્યો ન હતો. એ અમને નવાઈની વાત લાગી."

પરિવારનો એકનો એક છોકરો

તેમણે જણાવ્યું કે, "હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે. અમે બધા જ ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના હમીરપુર ગામના રહેવાસી છીએ. અમે છેલ્લા 5-6 મહિનાથી રૂમ પાર્ટનર તરીકે એક સાથે જ રહીએ છીએ, પરંતુ ગઈકાલે તે રેલવે ટ્રેક ઉપર કઈ રીતે પહોંચી ગયો. નશાની હાલતમાં એકલો નથી આવતો, કારણ કે તે જ્યારે પણ નશો કરતો ત્યારે રૂમમાં આવીને જમીને ચૂપચાપ સૂઈ જતો હતો. અમે તેના પરિવારને જાણ કરી દીધી છે. તે તેના પરિવારમાં એકનો એક છોકરો છે. સુરતથી જ મહેનત-મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે."

પોલીસ મેડિકલ રિપોર્ટને જોઇ રહી છે રાહ

આ બાબતે સ્થાનિક પોલીસે કહ્યું કે, "અત્યારે અમે કંઇ કહી ન શકીએ કે તે દારૂના નશામાં હતો કે નહીં. ભલે તેના મિત્રો કેહતા હોય કે ગોલુએ દારૂનો નશો કર્યો હતો, પરંતુ અમે જ્યાં સુધી પક્કા પાયે મેડિકલ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી સાચું કારણ નહીં કહી શકીએ; કોઈ અન્ય કારણ પણ હોઈ શકે છે. આ ઘટનાની અમારી તપાસ શરૂ થઈ ગઈ છે."

આ પણ વાંચો: સિક્યુરિટી ગાર્ડ વગરના એટીએમ મશીનને નિશાન બનાવતા તસ્કરોને પોલીસે ઝડપી લીધા

આ પણ વાંચો: સુરતમાં જાહેરમાં આયોજિત બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સરે લગાવ્યા ઠૂમકા, નોટોનો કરાયો વરસાદ

ABOUT THE AUTHOR

...view details