- લોકડાઉનના ભયથી વતન ચાલ્યા ગયેલા શ્રમિકો સુરત ફરી આવી રહ્યા છે
- ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ શ્રમિકોને નોકરી પર રાખી રહ્યાં નથી
- ડિમાન્ડ ન હોવાના કારણે વેપારીઓ નથી રાખી રહ્યા નોકરી પર
સુરત: કોરોના ( Corona )ની બીજી લહેરમાં લોકડાઉનના ભયથી પોતાના વતન ચાલ્યા ગયેલા શ્રમિકો રોજગારની તલાશમાં ફરી સુરત આવી રહ્યા છે. પરંતુ હવે તેમની માટે ટેક્સટાઈલ ઉદ્યોગ ( Textile market )માં કામ નથી. ડિમાન્ડ ઓછી હોવાના કારણે અને અગાઉના પેમેન્ટ સહિત માલની ડિલિવરી બાકી હોવાથી હવે ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ શ્રમિકોને નોકરી પર રાખી રહ્યા નથી. જેના કારણે શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે. તેમની પાસે રોજગાર નથી અથવા તો તેઓને અડધા પગારે નોકરી કરવી પડી રહી છે.
કોરોના ફેઝ 2માં 15,000 કરોડ રૂપિયાનો વેપાર અસરગ્રસ્ત થયો
કોરોનાની બીજી લહેરમાં પણ કાપડ ઉદ્યોગ પર માઠી અસર પડી છે. આ વખતે પણ આશરે 15,000 કરોડ રૂપિયાનો વેપાર કોરોના ફેઝ 2માં અસરગ્રસ્ત થયો છે. કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં જ સુરત કાપડ ઉદ્યોગ ( Textile industry ) માં કામ કરતા શ્રમિકો લોકડાઉનના ભયથી પોતાના વતન હિજરત કરી હતી. પરંતુ હવે કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં શ્રમિકો ફરી સુરત આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા અનેક ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે. શ્રમિકો પોતાના વતનથી રોજગારની આશા લઈને સુરત તો આવી રહ્યા છે, પરંતુ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હાલ તેમની માટે રોજગારીની તક મળી રહી નથી. સુરત ટેક્સટાઇલ માર્કેટની વાત કરવામાં આવે તો અહીં 4 લાખથી વધુ શ્રમિકો રોજગાર મેળવતા હોય છે. પરંતુ લોકડાઉનના ભયથી વતન ચાલ્યા ગયેલા શ્રમિકો ફરી સુરત આવી તો ચૂક્યા છે પરંતુ તેમની પાસે રોજગાર નથી.
શ્રમિકો ઓછા પગારમાં કામ કરવા મજબુર
શ્રમિક મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અહીં આંશિક લોકડાઉન લાગ્યા પછી કમાવાની તક ન હતી. જીવન નિર્વાહ કરવા માટે પૈસાની જરૂર હોય છે. જેથી અમે વતન ચાલ્યા ગયા હતા. માર્કેટ ખુલ્યા પછી અમે પરત સુરત આવ્યાં છીએ પરંતુ વેપારીઓ જણાવી રહ્યા છે કે હાલ વેપાર ધંધો નથી. જેથી ઓછા પગારમાં કામ કરો અથવા તો બીજી નોકરી શોધી લો. અનેક લોકો હજી સુધી સુરત આવ્યાં નથી. હાલ ઓછા પગારમાં નોકરી કરી રહ્યા છીએ. વેપારીએ સ્પષ્ટ કરી દીધું છે કે જો રોજગાર મેળવવું હોય તો આટલા જ પગારમાં નોકરી કરવી પડશે.