- વોચમેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
- આ સમગ્ર મામલે એસીપીને તપાસના આદેશ અપાયા છે
- મૃતકના પુત્ર જમ્મુ-કાશ્મીરમાં આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે
સુરત: જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા આર્મી જવાનના સિક્યુરિટી ગાર્ડ પિતાને સુરત પોલીસે આટલી હદે ઢોર માર માર્યો કે, તેનું મોત નીપજ્યું હતું. વરાછા પોલીસના ડી-સ્ટાફે ત્રણ દિવસ અગાઉ પ્રોહિબિશનના કેસમાં ઝડપેલા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને એટલી હદે માર માર્યો હતો કે, તેના માથાની નસ ફાટી જતા બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું. આ અંગે એક અરજી વોચમેનના ભત્રીજાએ પોલીસ કમિશનરને કરી સમગ્ર પ્રકરણની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સોંપવા માંગણી કરી છે. જેમાં આ સમગ્ર મામલે એસીપીને તપાસના આદેશ અપાયા છે. તો બીજી તરફ વોચમેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
શિવસિંગ કુવરસિંગની વરાછા પોલીસે પ્રોહિબિશનના કેસમાં ધરપકડ કરી હતી
સુરતના નવાગામ-ડિંડોલી સ્થિત મહાદેવનગરમાં રહેતા સતીષ રાજેન્દ્ર તોમરે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને અરજી કરી જણાવ્યું છે કે, વરાછા રોડ ખાતે એક ડાયમંડ ફેક્ટરીમાં વોચમેનનું કામ કરતા તેના કાકા શિવસિંગ કુવરસિંગની વરાછા પોલીસે 1 સપ્ટેમ્બરના રોજ પ્રોહિબિશનના કેસમાં ધરપકડ કરી હતી. શિવસિંગને બીજા દિવસે કોર્ટમાં રજૂ કરતા જામીન પર મુક્ત કરાયા હતા. ત્યારબાદ તે વરાછા પોલીસ મથકેથી પોતાનો મોબાઇલ ફોન અને રૂપિયા 5 હજાર લઈ પરત ફેક્ટરી પર પહોંચતા તેમની તબિયત લથડતા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબીબોએ તેમની માથાની નસ ફાટી જવાથી બ્રેઇન હેમરેજ થયું હોવાનું તેમજ માર મારવાથી ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું. મૃતકના પુત્ર જમ્મુ-કાશ્મીરમાં આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે તેઓ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના નિવાસી છે.
ન્યાયની માંગણી અરજીમાં કરવામાં આવી
પોલીસ મથકેથી પરત ડાયમંડ ફેક્ટરી પર પહોંચ્યા બાદ શિવસિંગની તબિયત લથડતા આ અંગે પરિવારજનોને શંકા ઉપજી હતી. વરાછા પોલીસ મથકમાં જ ડી-સ્ટાફે તેમને માર મારતા આ સ્થિતી સર્જાઈ હોવાથી તે મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે તપાસ કરાવી ન્યાયની માંગણી અરજીમાં કરવામાં આવી છે. અરજીમાં પોલીસ મથકના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ઘણી હકીકતો સામે આવી શકે તેવું પણ જણાવ્યું છે. આરોપ છે કે, પોલીસે મૃતકના પરિવારજનો પાસે પચાસ હજાર રૂપિયાની માંગણી પણ કરી હતી.