સુરત: સુરત કાપડઉદ્યોગના વેપારીઓ સાથે માર્કેટમાં દરવર્ષે કરોડો રૂપિયાની છેતરપિંડી થાય છે. કાપડઉદ્યોગના તમામ પ્રકારના વ્યવહારો પર નિયમન માટે સુરત મર્કન્ટાઇલ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી.
હવે આ એસોસિએશન દ્વારા એક એપ વિકસાવવામાં આવી છે. જેમાં વેપારીઓની હિસ્ટ્રી અને ગ્લેમ્સ, એમ્બ્રોઇડરી, કલર કેમિકલ, વેલ્થ પ્રોડક્શન, ટ્રાન્સપોર્ટ સહિતની વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે. આ સાથે જ માર્કેટમાં નોકરી સંબંધી વિગતો પણ આ એપ્લિકેશનમાં મળશે.
દરવર્ષે કરોડો રૂપિયાની થાય છે છેતરપિંડી:
મહત્વનું છે કે, સુરતમાં કાપડબજારમાં કેટલીક ચોક્કસ ગેંગ છેતરપિંડી કરવા માટે માર્કેટમાં દુકાન શરૂ કરી ઉધારમાં માલ ખરીદીને પેમેન્ટ ચૂકવ્યા વગર ફરાર થઈ જાય છે. તેથી જ વેપારીઓની તમામ માહિતી એપમાં મૂકવામાં આવી છે જેની ખરાઇ કર્યા બાદ જ તેની સાથે વ્યવહારો થાય અને છેતરપિંડીના બનાવો અટકે.
કાપડઉદ્યોગના વેપારીઓને છેતરપિંડીથી બચાવવા માટે સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા મોબાઈલ એપ વિકસાવાઇ એપમાં મળશે તમામ માહિતી:
કાપડબજારમાં વેપારીઓના હિત માટે કાર્ય કરતી ઘણી સંસ્થાઓ છે, પરંતુ હવે જ્યારે કોરોના પછી વેપાર કરવાની પદ્ધતિ બદલાઇ છે. મોટાભાગે ડિજિટલ વેપાર વધી રહ્યો છે. કાપડબજાર માટે એક કહેવત છે કે વેપારી જ્યારે ખરીદી માટે આવે છે ત્યારે તે ગાય બનીને આવે છે અને પેમેન્ટની ઉઘરાણી કરવામાં આવે ત્યારે તે વાઘ બની જાય છે. ત્યારે 175 માર્કેટ સાથે સંકળાયેલા 80,000 વેપારીઓને ડિજિટલી સાંકળીને તે વેપારી કેવો છે તેની તમામ વિગત એપ્લિકેશન થકી તે એપનો ઉપયોગ કરનારને મળશે.
પાનકાર્ડ, આધારકાર્ડ સહિતનો મળશે ટ્રેક રેકોર્ડ:
સુરત મર્કન્ટાઈલ એસો.ના વિવિધ સોશિયલ મીડિયાના ગૃપ સાથે 30,000 વેપારીઓ સંકળાયેલા છે. હાલ SMAના 800થી 1000 એડમિન માર્કેટમાં એક્ટિવ છે. માર્કેટમાં દરેક વેપારીઓની નોંધણી સોમવારથી શરૂ કરાઈ છે. જેમાં તેની પાનકાર્ડ, આધારકાર્ડ સહિત તેના વેપારનો ટ્રેક રેકોર્ડ જેવી માહિતીઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેની ખરાઈ અમારા વિવિધ માર્કેટના એડમિન કરશે. એડમિનના એપ્રુવલ બાદ રજિસ્ટ્રેશન કરનાર વેપારીની માહિતી એપ્લિકેશન પર ચઢાવવામાં આવશે. માહિતીના આધારે વેપારીને રેટિંગ પણ આપવામાં આવશે. જેથી પેમેન્ટ સંબંધી માહિતીઓમાં વેપારી ખરેખર કેવો છે તેની માહિતી એપ્લિકેશન યૂઝ કરનારને મળી રહેશે.