- સુરતની યુવતીના દુષ્કર્મ મામલે આવ્યો નાટ્યાત્મક વળાંક
- ''મારા પર કોઇ દુષ્કર્મ કે હત્યાનો પ્રયાસ નથી થયો, મારે જ આપઘાત કરવો હતો''
- ઘરમાં મુક્ત વાતાવરણ ન મળતા ભર્યુ પગલું
- આપઘાત કરવાના સતત 3થી 4 વાર કર્યા પ્રયાસો
આપઘાતના પ્રયાસ પહેલા યુવતીએ નવા કપડા ખરીદ્યા, બ્યુટી પાર્લર જઈ મેકઅપ પણ કરાવ્યો હતો
સુરત: લિંબાયત વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી કોલેજમાં ફોર્મ ભરવા માટે ઘરેથી નીકળી હતી પરંતુ ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ લિંબાયત પોલીસ મથકમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટ પાસેથી મળી આવી હતી. ત્યાંના રહીશોએ યુવતીને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડી હતી તો બીજી તરફ પોલીસને પણ જાણ કરી હતી જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરુ કરી હતી. પોલીસને ત્યાંથી યુવતીનો મોબાઈલ ફોન તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ મામલે દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધી તપાસ શરુ કરી હતી.
યુવતી ભાનમાં આવતા જ થયા ચોંકાવનારા ખુલાસા
ઈજાગ્રસ્ત યુવતી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે ભાનમાં આવી હતી. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેની પૂછપરછ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તેણીની પર કોઈ દુષ્કર્મ નથી થયું કે ન તો કોઈએ તેને મારવાની કોશિશ કરી હતી. તેણે જાતે જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ યુવતી નેટર્વકિંગ બિઝનેસ કરવા માગતી હતી પરંતુ તેના પરિવારજનો તેને આગળ અભ્યાસ કરાવવા માગતા હતા. યુવતીને ઘરમાં મુક્ત વાતાવરણ મળતું ન હતું. જેથી તેણે આપઘાત કરવાનું વિચાર્યું હતું અને કોલેજમાં ફી ભરવા જવાનું કહીને ઘરેથી 7 હજાર રૂપિયા લઇને નીકળી હતી.
આપઘાત પહેલા પોતાની રીતે જીંદગી જીવવાનો વિચાર કર્યો
કોલેજમાં ફી ભરવા જવાનું કહીને યુવતી ઘરેથી 7 હજાર રૂપિયા લઇને નીકળી હતી. ઘરેથી નીકળી તે ઓટો રીક્ષામાં પહેલા પર્વત પાટિયા ગઇ હતી અને ત્યાંની એક દુકાનમાંથી પોતાની પસંદના જીન્સ, ટોપ, શોર્ટ્સ ખરીદ્યા હતા તેમજ બ્યુટી પાર્લરમાં જઇ કપડા ચેન્જ કરી મેકઅપ પણ કરાવ્યો હતો. ત્યારબાદ આપઘાત કરવાના ઇરાદાથી તે ડુમસના દરિયાકિનારે ગઇ હતી. પરંતુ ભરતીના અભાવે દરિયામાં પાણી કિનારાને બદલે અંદરથી હતું. આથી તે ટેક્સીમાં ઉભરાટ ગઇ હતી પરંતુ કોરોનાને કારણે બીચ બંધ હોવાથી પરત સુરત મગદલ્લા ખાતે આવી હતી. જ્યાંથી પાર્લેપોઇન્ટ અંબિકા નિકેતન મંદિર નજીકના એક મેડીકલ સ્ટોરમાંથી વંદા મારવાની દવા ખરીદી તે પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વોમીટ થતા બધી દવા નીકળી ગઇ હતી જેથી અંધારાનો લાભ લઇ ગોકુલધામ એપાર્ટમેન્ટના ધાબા પર જઇ મોબાઇલ પરથી પિતાને મેસેજ કર્યા બાદ તોડી નાંખ્યો હતો અને પોતે ત્રીજા માળે ધાબા પરથી છલાંગ લગાવી હતી.
એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધાયું.
DCP વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, યુવતી અર્ધબેભાન હાલતમાં મળી આવી હતી અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હોવાથી પહેલા પોલીસે દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ટીમ બનાવી તમામ તપાસ હાથ ધરી હતી. પરંતુ યુવતી કોઈની સાથે હોય તેવું જણાયું ન હતું. દરમિયાન રાત્રે પૂછપરછમાં યુવતીએ દુષ્કર્મ ન થયો હોવાનું જણાવ્યું હતું. એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ સામે તેનું ડીડી(ડાઈંગ ડિકલેરેશન) નોંધવામાં આવ્યું છે. જેમાં તેણીએ દુષ્કર્મ ન થયો હોવાનું અને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળવા અંગે ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, એપાર્ટમેન્ટના ટેરેસ પરથી કૂદવાના કારણે મલ્ટીફ્રેક્ચર થયા છે. જેના કારણે તેના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું. હાલ તેની સારવાર હોસ્પિટલમાં ચાલી છે. યુવતી સંપૂર્ણ ભાનમાં આવી ગઈ છે અને તેનું નિવેદન પણ નોંધાવી દીધું છે.