અઠવા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગોપીપુરા ખાતે આવેલા મુલેરી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આવેલ ટ્રાવેલ્સની ઓફિસમાં છાપો માર્યો હતો. વર્લ્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસમાં પોલીસે તપાસ કરતા અહમદ નૂર કાસમ ઉનવાળા પાસેથી ચોરીના 92 મોબાઈલ અને એક લેપટોપ મળી આવ્યું હતું.
સુરત પોલીસે પકડેલા ચોર પાસેથી ચોરેલા 92 મોબાઈલ પકડાયા
સુરત: રાજ્યભરમાંથી મોબાઈલ ચોરીના મસમોટા રેકેટનો સુરતની અઠવા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી ચોરી કરેલા 92 મોબાઈલ, એક લેપટોપ સહિત ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી અહમદ નૂર સુરતના અઠવા વિસ્તારનો રહેવાસી છે અને અન્ય ઈસમો પાસેથી સસ્તા ભાવે ચોરીના મોબાઈલ ખરીદી બોટાદ અને દુબઇ ખાતે વેચતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
શંકાસ્પદ હાલતમાં મળી આવેલ મોબાઈલ અંગે પોલીસે અહમદ નૂર પાસે આધાર-પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. અઠવા પોલીસની પૂછપરછમાં હકીકત બહાર આવી હતી કે, આરોપી અહમદ નૂર અન્ય આરોપીઓ પાસેથી ચોરીના મોબાઈલ લે-વેચ કરે છે. આરોપી અહમદ નૂર ચોરીના આ મોબાઈલ સસ્તા ભાવે ખરીદી કરી ત્યારબાદ બોટાદ અને દુબઇ ખાતે વેચી નાખતો હતો. અહમદ અન્ય સાગરીતો સાથે મળી મોબાઈલ ચોરીનું મોટુ નેટવર્ક ચલાવતો હોવાની શંકા નકારી શકાતી નથી.
સુરત સહિત ગુજરાતભરમાં અસંખ્ય મોબાઈલ ચોરીના ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાંથી કેટલાક એવા ગુના છે જે હજી સુધી ઉકેલાયા નથી. ત્યારે સુરતના અઠવા વિસ્તારમાંથી ઝડપાયેલ મોબાઈલ ચોરીના આ રેકેટમાં અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાની પૂરેપૂરી શકયતા છે. જે પોલીસ માટે તપાસનો વિષય છે.