સુરતઃ ટામેટાના ખેડૂતો હવે આત્મનિર્બર બની રહે એ માટે સુરત એપીએમસી માર્કેટ દ્વારા ખાસ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં ટામેટાનુ ઉત્પાદન હંમેશાથી સારું રહ્યું છે અને ટામેટાની ખેતી કરનાર ખેડૂતોને યોગ્ય વળતર મળે અને ઉચ્ચ ગુણવત્તાના ટામેટાનો સદુપયોગ કરી શકાય આ ઉદ્દેશથી સુરત એપીએમસી માર્કેટ વિદેશોમાં મળતા પીઝાના કેચઅપથી પણ સારો ગુણવત્તાવાળો કેચઅપ બનાવવાનું શરૂ કર્યું છે. જે સુરત સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવશે.
આત્મનિર્ભર અભિગમ: સુરત APMC એ ટામેટા કેચઅપ બનાવવાનું કર્યુ શરૂ દેશભરમાં વિદેશી પીઝાના સ્વાદ રસીકોની સંખ્યા ઓછી નથી. પીઝામાં ખાસ કરીને જે કેચઅપ લગાડવામાં આવે છે, એક અલગ સ્વાદ મળી રહે એ માટે ખાસ વિદેશી કેચઅપ લગાડવામાં આવે છે. પરંતુ હવે વિદેશી કેચઅપનો સ્વાદ સ્વદેશી બ્રાન્ડમાં મળી રહે એ માટે સુરત એપીએમસી માર્કેટ ખેડૂતો પાસેથી ટામેટા લઈ ખાસ કેચઅપ તૈયાર કરી રહી છે. મોટાભાગના લોકો આવા કેચઅપ પસંદ કરતા હોય છે જે વિદેશમાં બનાવવામાં આવે છે અને જેની કિંમત પણ વધારે હોય છે. પરંતુ હવે આ ક્ષેત્રે પણ ભારતના ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાના ઉદ્દેશથી સુરત એપીએમસી માર્કેટ દ્વારા એગ્રો યુનિટમાં ખાસ આ કેચઅપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કેચઅપ માટે એપીએમસીએ અમેરિકન કેચઅપ નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન પણ મેળવ્યું છે અને તમામ માપદંડોમાં ખરા ઉતર્યા બાદ આ કેચઅપનું પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું છે. સુરત APMC એ ટામેટા કેચઅપ બનાવવાનું કર્યુ શરૂ આ અંગે સુરત એપીએમસી માર્કેટના ચેરમેન રમણ જાનીએ જણાવ્યું હતું કે, સુરત સહિત અન્ય રાજ્યોમાં ટામેટાનુ ઉત્પાદન ખૂબ જ સારું થાય છે. ખેડૂતોને આ ટામેટા થકી યોગ્ય વળતર મળી રહે અને ટામેટા ખરાબ ન થાય તેમજ ખેડૂતોની સ્થિતિ સારી બની રહે આ હેતુથી સુરત એપીએમસીએ ખાસ અભિગમ શરૂ કર્યો છે. મોટાભાગે લોકો જે પીઝા ખાતા હોય છે તેમાં વિશિષ્ટ સ્વાદ માટે વિદેશી કેચઅપ લગાવતા હોય છે અને તેની ખરીદી પણ વિદેશથી પણ કરે છે. પરંતુ સુરત એપીએમસીએ પોતાના જ ખેડૂતો પાસે ઉત્પાદન થયેલા દેશી ટામેટા થકી તેનાથી પણ સારી ગુણવત્તાનો કેચઅપ તૈયાર કર્યો છે. જે સુરતના એપીએમસી માર્કેટ સહિત અન્ય સ્થળે મળી રહેશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સારી ગુણવત્તાના ટામેટાનો ઉપયોગ આ કેચઅપ માં કરવામાં આવે છે. જેના માટે ખેડૂતોને યોગ્ય વળતર પણ મળે છે. સુરત સહિત ગુજરાત અને અન્ય રાજ્યોથી ટામેટા સુરત એપીએમસી માર્કેટ આવે છે. જેમાં સૌથી સારી ક્વોલિટીના ટામેટાનો ઉપયોગ કરી આ કેચઅપ બનાવવામાં આવે છે. હવે દેશના લોકોને પોતાના ખેડૂતો દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલા દેશી ટામેટાથી જ વિદેશી ગુણવત્તાથી પણ સારો કેચઅપ એપીએમસી દ્વારા તૈયાર કરાઈ છે જેથી ખેડૂતોને આનો લાભ મળી શકે.