- સુરતના પાંડેસરા ભેસ્તાન વિસ્તારમાં સર્જાયો અકસ્માત
- મહિલા કોન્સ્ટેબલ સહિત 4 લોકોને ડમ્પર ચાલકે લીધા અડફેટે
- મહિલા કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત
સુરતઃ શહેરના પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા 37 વર્ષીય લીના ખરાદે 5 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. તેઓ ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગમાં ફરજ બજાવતા હતા. મહિલા પોલીસ કર્મચારી લીના રિક્ષાચાલકના પેપર ચેક કરતા હતા. આ દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે અડફેટે લેતા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
ભેસ્તાન વિસ્તારમાં ગંભીર અકસ્માતમાં મહિલા પોલીસ કર્મચારીનું મોત ઘટનામાં બે કર્મચારીઓને ઇજા
ભેસ્તાન વિસ્તારમાં થયેલા અકસ્માતની ઘટનામાં બે કર્મચારીઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં તાત્કાલિક દોડી આવ્યા હતા. મહિલા પોલીસ કર્મચારીના મોતથી પોલીસ બેડામાં શોક છવાઈ ગયો છે.
પોલીસ કર્મચારીઓ સહિત પરિવારના લોકોમાં શોક
લીનાબેન પાંચ વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. તેઓ મૂળ સાબરકાંઠા જિલ્લાના અરવલ્લીના રહેવાસી છે. હાલ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંઈબાબા સોસાયટીમાં રહેતા હતા. તેઓના પરિવારમાં બે સંતાન છે. નાઈટ ડ્યુટી કરતા મધરાત્રે બનેલી અકસ્માતની ઘટનામાં તેઓનું મોત નિપજતા પોલીસ કર્મચારીઓ સહિત પરિવારના લોકોમાં શોક છવાઈ ગયો છે.
આ પણ વાંચોઃસુરતના માંડવીમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
પોલીસ કર્મચારીઓએ આપી શ્રદ્ધાંજલિ
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારના લોકો સહિત પોલીસ કર્મચારીઓ એકઠા થયા હતા. પોલીસ કર્મચારીઓએ મૃતક પોલીસ મહિલા કોન્સ્ટેબલ લીનાબેનને શ્રદ્ધાંજલિ આપી હતી. હાલ સમગ્ર ઘટનામાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃપીપોદ્રા નજીક ટેમ્પો ચાલકે 100 મીટર સુધી કારને ઘસડી, જૂઓ અકસ્માતનો લાઈવ વીડિયો