સુરત : મુંબઇમાં કોરોના મહામારીને પગલે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે. રોજગારના અભાવે ધીરે ધીરે મુંબઇમાં MSME સેક્ટરમાં વેપાર કરતા અનેક ધંધાર્થીઓ ડાયમંડ સિટી સુરતમાં સ્થાયી થઇ રહ્યા છે. સુરતમાં નિર્માણાધીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ડાયમંડ બુર્સ મુંબઇના હીરા ઉદ્યોગના અનેક વેપારીઓને આકર્ષી રહ્યો છે. હાલ જ મુંબઇના અનેક વેપારીઓ 150 થી વધુ દુકાનો ડાયમંડ બુર્સમાં બુક કરાવી ચૂક્યા છે.
મુંબઈથી સુરત તરફ વળી રહેલા હીરા ઉદ્યોગના વેપારીઓ વરાછા જેવા વિસ્તારો વધુ પસંદ કરી રહ્યા છે. 10 પૈકી 9 અલગ-અલગ પ્રકારના હીરા સુરતમાં તૈયાર થાય છે. પરંતુ મુંબઇમાં હીરાના એક્સપોર્ટથી માંડી તમામ વ્યવહારો થાય છે. સુરતમાં આવેલી ડાયમંડ કંપનીઓની કેટલીક કોર્પોરેટ ઓફિસો મુંબઈ ખાતેના ડાયમંડ બુર્સમાં પણ આવેલી છે, પરંતુ કોરોનાના કારણે મુંબઇમાં ધંધો ઠપ્પ થતા મોટા પ્રમાણમાં કોર્પોરેટ ઑફિસો બંધ થઇ રહી છે.