ગુજરાત

gujarat

ETV Bharat / city

વર્લ્ડ એઇડ્સ ડે: જાણો કેવી રીતે બે HIV પોઝિટિવ દર્દીઓ બન્યા એકબીજાના જીવનસાથી.. - ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ એચ.આઇ.વી.એઇડ્ઝ

ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ એચ.આઇ.વી.એઇડ્ઝ નામની સંસ્થાએ દેશભરના HIV પોઝિટિવ યુવક-યુવતીઓનું જીવન બદલી પ્રકાશનો અજવાસ ફેલાવ્યો છે.

જાણો કેવી રીતે બે HIV પોઝિટિવ દર્દીઓ બન્યા એકબીજાના જીવનસાથી..
જાણો કેવી રીતે બે HIV પોઝિટિવ દર્દીઓ બન્યા એકબીજાના જીવનસાથી..

By

Published : Dec 1, 2020, 2:07 PM IST

Updated : Dec 1, 2020, 7:01 PM IST

  • HIV પોઝિટિવ દર્દીઓના જીવનમાં આશાનું અજવાળું ફેલાવતી સંસ્થા GSNP+
  • AIDSના દર્દીઓ માટે જીવનસાથી પસંદગી મેળો
  • દેશભરમાંથી 1700 થી 1800 યુવક-યુવતીઓએ ભાગ લીધો

સુરત : HIV પોઝિટિવ દર્દીઓ પણ પોતાના માટે યોગ્ય જીવનસાથી મેળવી જીંદગીની એક નવી શરૂઆત કરી શકે તે માટે GSNP+ એટલે કે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ એચ.આઇ.વી.એઇડ્ઝ સંસ્થા કટિબદ્ધ છે. આ સંસ્થા અંતર્ગત એક મેરેજ બ્યુરો ચલાવવામાં આવે છે. જેમાં દેશભરમાંથી HIV પોઝિટિવ લોકો માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે.

જાણો કેવી રીતે બે HIV પોઝિટિવ દર્દીઓ બન્યા એકબીજાના જીવનસાથી..

ડર લાગતો હતો કે જીવિત પણ રહીશ કે નહીં

"હું ઉત્તરાખંડના દહેરાદૂનથી છું. મને વર્ષ 2007માં HIV પોઝિટિવ હોવાની જાણ થઈ. બિમાર પિતાને છેલ્લા સ્ટેજમાં ડોક્ટરે કહ્યું કે તેમને એઈડ્સ છે. ત્યારબાદ સમગ્ર પરિવારનો ટેસ્ટ કરાવતા ખબર પડી કે હું પણ HIV પોઝિટિવ છું. તે સમયે હું માત્ર 10 વર્ષની હતી. નાની હતી એટલે એવી સમજ પણ ન હતી, પરંતુ જેમ જેમ મોટી થઇ તેમ તેમ તેની ગંભીરતા સમજવા લાગી. મને ડર લાગતો હતો કે હું જીવિત પણ રહીશ કે નહીં. નકારાત્મકતાને લીધે પરિવાર અને મિત્રોથી પણ દૂર થઈ ગઈ. એ સમયગાળા દરમિયાન નોકરી શરૂ કરી અને મારા જેવા જ HIV પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવી. ત્યારબાદ મે HIV વિશેની સમગ્ર વાતો જાણી લીધી. આજે હું મારા જેવા અનેક લોકોને આ રોગ વિશે માહિતી આપું છું.

વર્ષ 2020માં મારા લગ્ન થયા છે. પતિ ગુજરાતી છે. લગ્ન ન થયા ત્યાં સુધી હું વિચારતી હતી કે શું હું પણ લગ્ન કરીશ? શું મારી પણ એક સામાન્ય જીંદગી હશે? એ સમયગાળા દરમિયાન ઈન્ટરનેટ ઉપર મેં જાણ્યું કે HIV પોઝિટિવ વ્યક્તિઓના પણ લગ્ન કરાવવામાં આવે છે અને મેં સંસ્થાનો સંપર્ક કર્યો. આજે લગ્ન કરીને ખૂબ ખુશ છું." ઉત્તરાખંડની એક યુવતીએ ઇટીવી ભારતને જણાવ્યું.

અત્યાર સુધીમાં 262 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે

GSNP+ સંસ્થાના સંચાલકે જણાવ્યું હતું કે, આ બિમારીને લીધે ખુદ તેમને લગ્ન બાબતે અણબનાવ થયો હતો. આથી સંસ્થાની મિટિંગમાં વાતચીત કરીને નક્કી કર્યું કે મારા જેવા અનેક લોકોને લગ્ન કરવા માટે પ્લેટફોર્મ મળે તેવું આયોજન કરવું. જેથી વર્ષ 2006માં પસંદગી મેળાનું આયોજન કર્યું. અત્યાર સુધી 12 પસંદગી મેળા યોજાઇ ચૂક્યા છે જેમાં 1700 થી 1800 યુવક-યુવતીઓએ ભાગ લીધો છે. આમાંથી 262 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. કોરોનાને કારણે આ વર્ષે વર્ચ્યુઅલ પસંદગી મેળાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના બધા જિલ્લાઓ તેમજ પાંચ થી છ રાજ્યોના લોકો પણ ભાગ લેશે. અંદાજિત 300 થી 400 લોકો આ પસંદગી મેળામાં ભાગ લેશે.

Last Updated : Dec 1, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details