સુરત: 11 માર્ચનાં રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. 16 માર્ચે શહેરમાં કોવિડ-19નો પહેલો કેસ નોંધાયો હતો. ત્યારથી સ્મીમેર હોસ્પિટલમાં ડોકટર્સ, કર્મચારીઓ જેમાં સફાઈ કામદાર, વોર્ડબોય, આયા બહેન, નર્સિંગ સ્ટાફ, વહીવટી સ્ટાફ તેમજ ઇન્ટર્ન વગેરે રજા લીધા વગર છેલ્લા 6 મહિનાથી અવિરતપણે કોરોનાને લગતી વિવિધ કામગીરી બજાવી રહ્યા છે.
આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘણા સ્વાસ્થ્ય કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા, તેઓ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમજ કોરોનાની સારવાર લઇ તેઓ ફરીથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં જોડાયા હતા. તેમજ હોસ્પિટલના ઘણા બધા સ્વાસ્થ્ય કર્મચારીઓનો જુસ્સો બુલંદ રાખ્યો હતો. તો ઘણા કર્મચારીઓએ પોતાના પરિવારજનોને પોતાનાથી અળગા રાખીને પોતાની ફરજ બજાવી છે. કોરોના સામેની લડાઈ માત્ર સ્વાસ્થ્ય કર્મચારીઓએ જ નહી પરંતુ તેમના સમગ્ર પરિવારે સાથે રહીને લડી છે.
આ મહામારી દરમિયાન પ્રત્યેક સ્વાસ્થ્યકર્મીએ શારીરિક, માનસિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ વેઠીને પણ સેવાની મશાલ સળગતી રાખી છે. એના માટે સ્મૃતિચિહ્ન બનાવવાનું નક્કી કર્યું કે, જેમાં સૌની સરખી ભાગીદારી હોય અને સૌનું કોરોના યોધ્ધા તરીકેનું કાર્ય લોકોના માનસ પર સદાય અંકિત રહે. આ માટે ઘણાબધા વિકલ્પો વિચાર્યા બાદ, 74મા સ્વાતંત્ર્ય દિવસે "CARING HANDS" અભિયાન સર્વ સંમતિથી શરુ કરવામાં આવ્યું છે.