સુરત: ગોટાલાવાડી ટેનામેન્ટ રીડેવલપમેન્ટ મામલે રહીશોએ અગાઉ અનેક આવેદનો અને રજૂઆત કરી હતી, પરંતુ આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી. આ ઉપરાંત બિલ્ડરને બ્લેક લીસ્ટ કરી દેવાતા રહીશોએ મેયરના ઘર બહાર જઈ હોબાળો મચાવ્યો હતો. જ્યારે બીજા દિવસે મનપા કચેરી બહાર ભૂખ હડતાલ પર બેસી ગયા છે.
સુરત મનપા કચેરી બહાર લોકો ભૂખ હડતાલ પર બેઠા છે, જાણો શું છે કારણ? - redevelopment
સુરત શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કોરોના મહામારી વચ્ચે ગોટાલાવાડી ટેનામેન્ટ રીડેવલપમેન્ટ મામલે તમામ રહેવાસીઓ મનપા કચેરી બહાર ભૂખ હડતાલ પર બેસવા મજબુર બન્યા છે.
કતાર ગામ ગોટાલાવાડી ટેનામેન્ટનું વર્ષ 2018માં રીડેવલોપમેન્ટ હેઠળ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 1,304 જેટલા પરિવારોને રીડેવલપમેન્ટ હેઠળ પાલિકા દ્વારા સમાવેશ કરાયો હતો. જ્યાં સુધી મકાનો તૈયાર નહીં થાય, ત્યાં સુધી બિલ્ડર તમામ અસરગ્રસ્તોને પ્રતિમાસ ભાડું ચૂકવવામાં આવશે તેવો કરાર પાલિકા અને બિલ્ડર વચ્ચે કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં હાથ ધરવામાં આવેલ રીડેવલોપમેન્ટની કામગીરી હજૂ ટલ્લે ચઢી છે, આ સાથે બિલ્ડર દ્વારા અસરગ્રસ્તોને ભાડું પણ ચુકવવામાં આવી રહ્યું નથી.
બિલ્ડર અને પાલિકા દ્વારા નક્કી કરાયેલા ભાડાના દર અસરગ્રસ્તોને છેલ્લા દસથી બાર મહિના સુધીનું ચૂકવવામાં આવ્યું નથી, કે મકાન તૈયાર કરી આપવામાં આવ્યા નથી. જેના કારણે અસરગ્રસ્તોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે છેલ્લા 3 દિવસથી અસરગ્રસ્તો પાલિકા કમિશનર, મેયર સુધી રજૂવાત કરી રહ્યા હોવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. જ્યાં સુધી કોઈ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અસરગ્રસ્તોએ પણ ધરણા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી છે.