- છત્તીસગઢના વૃદ્ધની ગળે ટૂંપો આપી થયેલી હત્યાનો ભેદ અમરોલી પોલીસે ઉકેલી કાઢ્યો
- નશામાં ધૂત વૃદ્ધે અપશબ્દો કહી ઉછીના આપેલા 500 રૂપિયા માગતા થયેલા ઝઘડામાં હત્યા
- આરોપીએ અઠવાડિયા અગાઉ સોનુએ 500 રૂપિયા વૃદ્ધ પાસેથી ઉછીના લીધા હતા
સુરતઃ શહેરના મોટા વરાછાની નીચલી કોલોનીમાં ભાડાના રૂમમાં રહેતા છત્તીસગઢના વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. મૃતકના પાડોશમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અમરોલી પોલીસે આરોપીની ધરપકડ કરીને આ કેસ ઉકેલ્યો છે. પોલીસ તપાસ મુજબ, દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે નશામાં ધૂત વૃદ્ધે અપશબ્દો કહી આરોપીને ઉછીના 500 રૂપિયા પરત આપવા કહ્યું હતું. જોકે, આરોપીએ ઝઘડામાં હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
મૃતક વૃદ્ધના હાથ અને મોઢું બાંધેલી હાલતમાં હતા
આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરમાં અમરોલી પોલીસની હદમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો હતો, જેમાં મોટા વરાછામાં આવેલી નીચલી કોલોનીમાં વીરજી પ્રજાપતિની ભાડાની રૂમમાં છત્તીસગઢના 68 વર્ષીય કન્હાઈ રામ સુંદર રામ રહેતા હતા. તેમની થોડા દિવસો પહેલા હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. પોલીસે તપાસ કરતા વૃદ્ધના હાથ અને મોઢું પર કપડાથી બાંધેલું હતું. વધુમાં ઘરમાંથી સોનાની ચેન અને મોબાઈલ ગાયબ હતા અને ઘરનો સરસમાન પણ વેરવિખેર હતો. આથી કોઈ જાણભેદુ હોવાની આશંકા પોલીસને હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. પોલીસે તપાસ કરતા પડોશમાં રહેતો સોનું જગદીશ ઠાકુર અને તેનો રૂમ પાર્ટનર ગાયબ હતા. આથી પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી, જેમાં પોલીસે સોનું જગદીશ ઠાકોરની મથુરાથી ધરપકડ કરી હતી.