- સુરત જિલ્લા પોલીસે સગીર સહિત બેને ઝડપી પાડ્યા
- ચોરીની 30 મોટર સાયકલ સહિત 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
- ચોરી કરતી ગેંગના આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી
સુરત:જિલ્લા LCB તેમજ પેરોલ ફર્લોસ્કોડની ટીમે મોટરસાઇકલ ચોરી કરતી મધ્યપ્રદેશ રાજ્યની આંતરરાજ્ય ગેંગના સાગરીતને ચોરીની બાઇક સાથે કામરેજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ચોરીની 30 બાઈક સહિત કુલ 7.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમની પૂછતાછ કરતાં આ મોટર સાયકલ સુરત શહેર, જિલ્લામાં તેમજ નવસારી જિલ્લામાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરી કર્યા બાદ મોટર સાયકલો મધ્યપ્રદેશ ખાતે લઈ જઈ સસ્તામાં વેચતા હતા. કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર સહિત બેની અટકાયત કરી ગુનામાં સંડોવાયેલા 4 શખ્સોને વોંટેડ જાહેર કર્યા હતા.
બાતમીના આધારે ઝડપી પાડ્યા
સુરત જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફર્લોસ્કોડની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, નરેશ કલેશ તથા જેરામ બામણીયા નામના શખ્સો તેમના સાગરીતો સાથે મળી મોટરસાઇકલ ચોરી કરી મધ્યપ્રદેશમાં લઈ જઈ વેચાણ કરે છે. આ બંને શખ્સો ચોરી કરેલુ નંબર પ્લેટ વગરનું બુલેટ તથા સ્પ્લેંન્ડર બાઇક લઈ વેચાણ કરવા જવાના છે. જે હકીકતના આધારે LCB તેમજ પેરોલ ફર્લોસ્કોડની ટીમે કામરેજ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબના બે શખ્સો આવતા તેમને ઝડપી પાડી તેમની પાસેથી કબ્જે કરેલી બાઇક ચોરી હોવાનું જાણવા મળ્યુ હતું.