ગુજરાત

gujarat

ETV Bharat / city

514 સુરતીઓના પ્લાઝમા દાનથી સુરત ગુજરાતમાં અવ્વલ - સુરતમાં પ્લાઝમાં ડોનેટ

કોરોનાની વૈશ્વિક મહામારીએ જ્યારે સુરતમાં પગ જમાવ્યો છે, ત્યારે કોરોના સામે લડવામાં અસરકારક પ્લાઝમા ડોનેટ કરવા સુરતીઓ રાજયભરમાં અગ્રેસર રહ્યા છે. સુરતને કર્મભુમિ બનાવીને રહેતા રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરીને માનવીય પહેલ કરી છે. હાલ કોરોનાની કોઈ દવા ન હોવાથી અન્ય ઉપાયો દ્વારા કોરોનાના દર્દીઓને સ્વસ્થ કરવામાં આવી રહ્યા છે. જેમાં પ્લાઝમા થેરાપી અસરકારક સાબિત થઈ છે. સુરતની નામાંકિત યુનિક જેમ્સ કંપનીના 41 રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કરીને સમગ્ર દેશને નવી રાહ ચીંધ્યો છે. માણસાઈના દીવા સમાન, હીરા પર પાસા પાડનારા આ રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરી દાનનું હીર ઝળકાવી ‘ખરા હીરા’ બન્યા છે.

ETV BHARAT
514 સુરતીઓના પ્લાઝમા દાનથી સુરત ગુજરાતમાં અવ્વલ

By

Published : Aug 13, 2020, 11:35 PM IST

સુરત: રક્તદાન હોય કે અંગદાન હંમેશા પ્રથમ ક્રમે રહેલું સુરત હવે 514 વ્યકિતઓએ પ્લાઝમાનું દાન કરીને ગુજરાતમાં પ્રથમક્રમે આગળ વધી રહ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓની વ્હારે આવીને પોતાનું પ્લાઝમા દાન કરવામાં સુરતીઓએ લહેરીલાલાનો આગવો મીજાજ બતાવ્યો છે. જન્મદિવસને કે અન્ય પ્રસંગ દિવસને યાદગાર બનાવી સમાજ પ્રત્યે પોતાનું ઋુણ અદા કરી રહ્યા છે. તો કોરોના વાઇરસ સામે લડતા સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ થવામાં આગવું બળ પુરૂં પાડી રહ્યા છે.

514 સુરતીઓના પ્લાઝમા દાનથી સુરત ગુજરાતમાં અવ્વલ

રોજીરોટી અર્થે સુરતને કર્મભુમિ બનાવી, વસતા રત્નકલાકારો કોરોના દર્દીઓ માટે જીવંત હીરા સાબિત થાય છે. ડાયમંડ ઉદ્યોગપતિઓના પ્રોત્સાહનથી પ્લાઝમા દાન માટે પ્રેરક કદમ ઉઠાવ્યું છે.

રત્નકલાકારો

કતારગામની ‘યુનિક જેમ્સ’ ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર જયેશ મોણપરાને નજીકના સંબંધીનો વિનંતી સાથે ફોન આવ્યો કે, પ્લાઝમાની તાતી જરૂરીયાત છે, આપના પ્લાઝમાની જરૂરિયાત છે. જયેશભાઈએ તૈયારી બતાવીને સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું. તેમનો 30મી જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૧૫ દિવસ હોમ આઈસોલેટ રહીને કોરોને મ્હાત આપી હતી અને 28 દિવસ બાદ તેમણે પ્લાઝમા ડોનેટ કર્યું.

514 સુરતીઓના પ્લાઝમા દાનથી સુરત ગુજરાતમાં અવ્વલ

પ્લાઝમા ડોનેટ માટે એન્ટી બોડી ટેસ્ટ કરાવવો પડે તેવી વિગતોથી માહિતગાર જયેશભાઈએ ડોનેટ દરમિયાન પ્લાઝમા બેંકના ડૉ.અંકિતાબેન શાહને વાત કરી કે, અમારી કંપનીમાં 80થી વધુ રત્નકલાકારોના એન્ટી બોડી ટેસ્ટ કરાવ્યા છે. પ્લાઝમા બેંકના ડૉ.અંકિતા શાહે જણાવ્યું કે, અમારી ટીમે યુનિક જેમ્સના ડિરેક્ટર દિલીપ કેવડિયાનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે, 80 રત્નકલાકારો પૈકીના ૬૬થી વધુ રત્નકલાકારોના એન્ટી બોડી ડેવલપ થઈ ચૂકયા છે. દિલીપભાઈએ કંપનીના રત્નકલાકારોને પ્લાઝમા માટે પ્રોત્સાહિત કરતા આ રત્નકલાકારોએ તુરંત જ પોતાના પ્લાઝમા આપવાની તૈયારી દર્શાવી.

પ્રથમ તબક્કે 66 રત્નકલાકારોના એન્ટી-બોડી ટેસ્ટ કરાવીને તબક્કાવાર 41 રત્નકલાકારોના પ્લાઝમા કલેકટ કર્યા છે, જયારે બાકી 25 રત્નકલાકારો આગામી સમયમાં પોતાના પ્લાઝમાનું દાન કરશે.

યુનિક જેમ્સના પાર્ટનર દર્શન સલીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મે મહિનામાં લોકડાઉનમાં આંશિક છૂટછાટ મળતા સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ ગન, ઓક્સિમીટર, સેનિટાઈઝિંગ જેવી તકેદારી રાખી ડાયમંડ પ્રોડક્શન કાર્ય શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન ઘણી ડાયમંડ કંપનીના રત્નકલાકારો કોરોના સંક્રમિત થયા હતા. અમારી કંપનીમાં પણ 6 રત્નકલાકારો સંક્રમિત થયા હતા. જેથી ત્રણ સપ્તાહ કંપની બંધ રાખવી પડી ત્યાર બાદ ૧૪ જુલાઈએ કામ શરૂ કર્યું, છેલ્લા 2થી 3 મહિના દરમિયાન કંપનીમાં જેટલા પણ રત્નકલાકારોને શરદી, ખાંસી કે તાવના લક્ષણો થયા હોય તેઓનો હેલ્થ ડેટા કલેકટ કરીને કંપનીએ સ્વખર્ચે તમામના એન્ટીબોડી રિપોર્ટ કરાવ્યા હતા. જે પૈકી 80થી વધુ રત્નકલાકારોમાં રોગ પ્રતિકાકર કોષો-પ્લાઝમા બની ચૂકયા હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. હાલમાં અમારી કંપનીમાં એક મહિનાથી કોઈ રત્નકલાકારોને કોઈ પ્રકારના લક્ષણો જણાયા નથી.

કંપનીમાં કામ કરતા જયેશ મોણપરાએ કહ્યું કે, કોરોના સામે લડવા માટે વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ થાય તે જરૂરી છે. અમે કંપનીના અન્ય રત્નકલાકારોને કોઈના ઘરનો ચિરાગ ન બુઝાઈ જાય એના માટે પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. પરિણામે અમારા તમામ કર્મચારીઓ સમાજ માટે આ સેવાકાર્યમાં પ્લાઝમાં દાન કરવા આગળ આવ્યા એટલુ જ નહીં. બીજીવાર પણ પ્લાઝમાં દાન કરવા તૈયારી તેમણે દર્શાવી તેમ જયેશભાઇ જણાવે છે.

પ્લાઝમા ડોનેટ કરનાર 38 વર્ષીય રત્નકલાકાર વિકાસભાઈ ગોહિલ જણાવ્યું કે, કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ ઘરે હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ થયો છું. કંપનીના માલીકે મને પ્રેરીત કર્યો કે, કોરોનામાંથી સ્વસ્થ થયેલા વ્યકિતમાં એન્ટી બોડી થકી અન્યનું જીવન બચાવી શકાય છે. જેથી મે પણ સ્મીમેર હોસ્પિટલ ખાતેની પ્લાઝમા બેન્કમાં પ્લાઝમાં ડોનેટ કર્યું મારા પ્લાઝમાથી બે વ્યક્તિને નવજીવન મળશે તેની મને ઘણી ખુશી છે. આગળ આવા સમાજહિતના ઉમદા કાર્યમાં હંમેશા શક્ય તેટલું યોગદાન આપીશ. તેવો પણ મે સંકલ્પ કર્યો છે.

સુરતમાં 514 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યાઃ

  • સ્મીમેર હોસ્પિટલમાં 286 વ્યકિતઓએ ડોનેટ કર્યા 497 ઈસ્યુ કર્યાઃ
  • સિવિલ હોસ્પિટલમાં 140 વ્યકિતઓએ ડોનેટ કર્યા 308 ઈસ્યુ કર્યા
  • લોક સમર્પણ રકતદાન કેન્દ્રમાં 80 વ્યકિતઓએ ડોનેટ કર્યા 160 ઈસ્યુ
  • સુરત રકતદાન કેન્દ્રમાં 5 ડોનેટ 10 ઈસ્યુ

ABOUT THE AUTHOR

...view details