સુરત: ગણેશ ચતુર્થીને ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે. ત્યારે આ વખતે ભક્તો પોતાના ઘરે જ બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરશે. કોરોના વાઇરસ મહામારીને લઇને તંત્ર દ્વારા જાહેર રસ્તા કે મંડપમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરવાની મનાઈ કરવામાં આવી છે. તેમજ ફક્ત બે ફૂટની જ મૂર્તિ ખરીદવાના આદેશને લીધે મૂર્તિકારો દ્વારા પણ નાની પ્રતિમાઓ બનાવવામાં આવી છે. બજારમાં પણ લોકો ગણેશજીની નાની પ્રતિમાઓ ખરીદતા નજરે પડી રહ્યા છે.
આ વખતે સુરતના મૂર્તિકારો દ્વારા અવનવા સંદેશાઓ આપતી પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે. વિઘ્નહર્તા ગણપતિ બાપા કોરોનાનું વિધ્ન હરે અને આ મહામારીથી લોકોને મુક્તિ મળે તેવા સંદેશ સાથે એક મૂર્તિકારે ભગવાન ગણેશની એક સુંદર પ્રતિમા બનાવી છે. જેમાં બાપ્પા પોતાના પગ નીચે કોરોના વાઇરસને દબાવી તેનો વધ કરતા જોવા મળી રહ્યા છે.