- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો વિરોધ
- જમીન માપણી કરવા ગયેલા અધિકારીઓને ખેડૂતોએ અટકાવ્યા
- પોલીસે વિરોધકર્તા ખેડૂતોને સાઈડમાં કરીને કામગીરી શરૂ કરાવી
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને શરુઆતથી જ ગ્રહણ નડી રહ્યું છે. આજે બુધવારે તરસાડી નગરપાલિકાના ખેડૂતોએ બુલેટ ટ્રેનની જમીન માટે માપણી કરવા આવેલા કર્મચારીઓને અટકાવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, તેમને જે વળતર મળી રહ્યું છે એ યોગ્ય નથી.
સુરતના તરસાડી ખાતે જમીન માપણી કરવા ગયેલા અધિકારીઓનો વિરોધ આ પણ વાંચો -જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ક્યાં અટવાયેલો છે?
એક જ જમીનના સરકારની બે જુદી જુદી યોજનાઓ માટે અલગ ભાવ
હાલમાં સંપાદન થઈ રહેલી જમીનને 720 રૂપિયાના બે ગણા એટલે કે 1440 રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર આપવામાં આવી રહ્યું છે. જયારે તરસાડી નગરની 100 મીટરના અંતરે આવેલા કુવારડા ગામે 4 ગણું એટલે કે 2880 રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર ચૂકવવામાં આવ્યું છે. બીજી તરફ આ જ જગ્યાએથી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પણ પસાર થઇ રહ્યો છે. જેના વળતરમાં અને બુલેટ ટ્રેનના વળતરમાં પણ જમીન આસમાનનો ફરક હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, એક જ જમીનનું સરકારની અલગ અલગ યોજના માટે અલગ અલગ ભાવ કઈ રીતે હોઈ શકે ?
સુરતના તરસાડી ખાતે જમીન માપણી કરવા ગયેલા અધિકારીઓનો વિરોધ આ પણ વાંચો -રાજ્યમાં બુલેટ ટ્રેનના જમીન સંપાદનને લઈને ફરી શરૂ થયો વિરોધનો વંટોળ
પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને હટાવીને કામગરી શરૂ કરાવી
છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિરોધને લઈને આજરોજ બુધવારે જયારે કંપનીના કર્મચારીઓ જમીનની માપણી કરવા માટે સ્થળ પર પહોંચ્યા ત્યારે ખેડૂતોએ ખેતરમાં પહોંચીને કામ અટકાવી દીધું હતું. જેથી ઘટના સ્થળે મોટો પોલીસ કાફલો બોલાવી લેવામાં આવ્યો હતો. હોબાળો થતા પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વિરોધકર્તાઓને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ ખેડૂતો ટસ ના મસ ન થતા આખરે પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને સાઈડ પર હટાવીને કામ શરુ કરાવ્યું હતું.