- રેલવે ગુડ્સ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ
- જમીન સંપાદનની કામગીરી દરમિયાન વિવાદ
- ઉભા પાક પર અધિકારીઓએ ફેરવ્યું બુલડોઝર
સુરત : વર્ષ 2011થી અટકી પડેલી રેલવે ગુડ્સ ટ્રેન કોરિડોરની જમીન સંપાદન પ્રક્રિયાની કામગીરી હાલ રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જો કે, અસરગ્રસ્ત 150 જેટલા ખેડૂતોએ જમીન સંપાદનની આ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે સુપ્રીમ કોર્ટનો અનાદર કરીને રાજ્ય સરકારની વેલ્યુએશન પ્રમાણે જમીન સંપાદનનું વળતર ખેડૂતોને ચૂકવવાના બદલે રેલવે વિભાગ જોહુકમી ચલાવી જમીનનો કબજો મેળવી રહ્યું છે. જમીન સંપાદન વખતે ખેડૂતોના ઉભા પાક પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે જે અયોગ્ય છે.
જમીન સંપાદનની પ્રક્રિયાને લઈ ભારે વિરોધ
ઉમરાથી ઉધના જંક્શન સુધી રેલવે વિભાગ દ્વારા ગુડ્સ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી રહેલી જમીન સંપાદન પ્રક્રિયાને મુદ્દે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન તેમજ અન્ય અસરગ્રસ્ત તમામ ખેડૂતોએ ભારે વિરોધ સાથે જિલ્લા ક્લેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને જમીન ફાળવણી માટે મુદત આપવામાં આવે. જો કે ખેડૂતોની આ માગને જિલ્લા કલેક્ટર દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જેના જવાબમાં ખેડૂતોએ ચીમકી આપતા જણાવ્યું છે કે જમીન સંપાદન તો નહીં જ થવા દઈએ. ખેડૂતોની આ લડત ચાલુ રહેશે. આમ, કલેક્ટરને કરવામાં આવેલી રજૂઆતનો કોઇ નિવેડો આવ્યો નથી.