સુરત : સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે, ત્યારે વરસાદના કારણે કિમ-માંડવી સ્ટેટ હાઇવે પર મસમોટા ખાડા પડી ગયા છે. ખાડા પડી જવાના કારણે વાહનચલાકો તોબા પોકારી ઉઠ્યા છે. ખરાબ રસ્તાને લીધે લોકોના વાહનને નુકસાન પહોંચી રહ્યું છે.
કિમ-માંડવી સ્ટેટ હાઇવે કિમથી માંડવી, વાલિયા, રાજપીપળા અને મહારાષ્ટ્રના ધૂલિયા જવા માટેનો અતિ મહત્વનો માર્ગ છે. હજારો લોકો આ રસ્તા પર અવરજવર કરે છે. ખરાબ રસ્તાને કારણે લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. આ રસ્તા પર મોટા વાહનો પાસે ટોલ ઉઘરવામાં આવે છે, પરંતુ ટોલ લેવા છતાં પણ આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી. લોકો વારંવાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે, છતા તંત્રને લોકોની સમસ્યામાં કોઈ રસ નથી એવું લાગી રહ્યું છે.
ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાંથી પસાર થતા હાઇવે પર મસમોટા ખાડા
બીજી તરફ અમદાવાદ-મુંબઈને જોડતો નેશનલ હાઇવે નંબર-48 પર ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો હાલાકી વેઠી રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. નેશનલ હાઇવેનું સંચાલન હાઇવે ઑથોરિટી કરે છે અને ચાલકો પાસે ટોલ વસૂલે છે. પરંતુ વાહનચાલકોના ટોલના પૈસાથી હાઇવેનું સમારકામ કરવામાં આવતું નથી.
આ જ હાઇવે પર માંગરોળ તાલુકાના પીપોદરા ગામે છેલ્લા 1 અઠવાડિયામાં 3 અકસ્માતો થઈ ચૂક્યા છે અને કેટલાક વાહનોને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદના કારણે હાઇવે અને સ્ટેટ હાઇવે સહિત વાહનચાલકોની હાલત પણ અત્યંત ખરાબ બની છે. વાહનચાલકો માગ કરી રહ્યા છે કે, જેટલું બને તેટલું જલ્દી આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે નહીં તો આવા રસ્તા વધુ અકસ્માતોને આમંત્રણ આપે તો નવાઈ નહીં.