- વેપારીઓ ટિકિટો કેન્સલ કરાવી રહ્યા છે
- ગયા વર્ષે લોકડાઉનના કારણે વેપાર થયો નહીં
- માર્ચ, એપ્રિલ અને મે માસ ટેક્સટાઇલ માર્કેટ માટે અગત્યાના ગણાય છે
- કોરોનાના કારણે વેપારીઓને આ વર્ષે પણ નુકસાન થવાનો ભય
- ખરીદી માટે સુરત આવતા લોકો ટિકિટ કેન્સલ કરાવી રહ્યા છે
સુરતઃ છેલ્લા પાંચ દિવસથી સુરતમાં 450થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે, જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. સુરત ટેક્સટાઈલ માર્કેટમાંથી સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો આવતા તંત્ર દોડતુ થયું છે. અત્યાર સુધીમાં 150થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ સુરત ટેક્સટાઈલ માર્કેટમાંથી નોંધાયા છે. જેના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવનારા અન્ય રાજ્યોના વેપારીઓને ફરજિયાત કોરોનાનો ટેસ્ટિંગ કરવું પડશે અને 7 દિવસ સુધી કવોરેન્ટાઇન રહેવું પડશે. પાલિકાના આ નિયમ અને સુરતમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસના ભયથી હવે અન્ય રાજ્યોના વેપારીઓ સુરત આવવા માંગતા નથી. જેના કારણે સુરતના કાપડ ઉદ્યોગને ભારે ફટકો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ સુરત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 577 કોરોના પોઝિટિવ કેસ, 2 દર્દીનાં મોત
સુરતના ટ્રેડર્સ માર્કેટની હાલત કફોડી બની
સુરતમાં ગ્રે કાપડનું પ્રતિદિવસ અઢી કરોડ મીટરનું ઉત્પાદન થાય છે જ્યારે અન્ય મંડીઓથી આવનારા કાપડથી સુરતમાં રોજ સાડાત્રણ કરોડ મીટર કાપડનું પ્રોડક્શન કરવામાં આવે છે. રોજ અઢીસો કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા સુરતના ટ્રેડર્સ માર્કેટની હાલત કફોડી બની છે. માર્ચ, એપ્રિલ અને મે મહિના કાપડ ઉદ્યોગ માટે ખૂબ જ અગત્યનો ગણાય છે કારણ કે, લગ્નસરાની સિઝન, રમઝાન ત્રીજ અને અન્ય પર્વની ખરીદી આ મહિનાઓમાં થતી હોય છે. શાળાઓના યુનિફોર્મની ખરીદી પણ આજ મહિનાઓમાં અન્ય રાજ્યોમાંથી કરવામાં આવે છે. પરંતુ આ વખતે સુરતમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસની ખરીદી પર સીધી અસર પડી છે.