- ચૂંટણી જાહેર થતા જ સુરત મ.ન.પા.એ વેબસાઈટ પરથી માહિતી હટાવી
- માહિતી ન મળતા જાગૃત યુવા સમિતિ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ હતી
- કોર્પોરેટરોની ગ્રાન્ટ અને બજેટ સંબંધિત તમામ માહિતી હટાવી લેવાઈ હતી
સુરત મનપાએ બજેટ અને ગ્રાન્ટની માહિતી વેબસાઈટ પરથી હટાવી લેતાં ચૂંટણી પંચને ફરિયાદ - surat corporation
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત બાદ પાલિકાની સત્તાવાર વેબસાઈટ પરથી કોર્પોરેટરો દ્વારા વપરાયેલા ગ્રાન્ટ અને બજેટ અંગેની તમામ માહિતી હટાવી લેવામાં આવી છે. આ અંગે સુરતનાં જાગૃતિ યુવા સમિતિ દ્વારા આચાર સંહિતાનું ખોટું અર્થઘટન કરીને માહિતી હટાવી લેવા બાબતે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.
સુરત: પાલિકાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષ હોય કે તંત્ર તમામ દ્વારા ચૂંટણીને લઇ પોતપોતાની રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા પોતાની સત્તાવાર વેબસાઈટ પરથી કોર્પોરેટરોની ગ્રાન્ટ અને પાંચ વર્ષનાં બજેટ અંગેની તમામ માહિતી હટાવી દેવામાં આવી છે. કોર્પોરેટરોને તેમનાં કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલી ગ્રાન્ટની માહિતી ન મળતાં સુરતનાં જાગૃત યુવા સમિતિ દ્વારા આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઇ છે.
આચારસંહિતાના ખોટા અર્થઘટન કરવામાં આવ્યા
સમિતિનાં સભ્ય સંતોષ રાઠોડે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા આચાર સંહિતાનાં ખોટા અર્થઘટન કરવામાં આવ્યા છે. જે અંગે અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. બજેટમાં થયેલા વિકાસનાં કામોને પણ ડિપાર્ટમેન્ટ એકાઉન્ટ કોડ ઓફ કન્ડક્ટ હેઠળ છૂપાવવામાં આવ્યા છે. બજેટ સંબંધિત આંકડાઓ અને કોર્પોરેટરોએ ગ્રાન્ટની કેટલી રકમ વાપરીછે. તેની તમામ માહિતી હટાવી લેવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે જોવા જઈએ તો આચાર સહિતામાં આવો કોઈ નિયમ નથી. આ માહિતી ફરી વેબસાઇટ પર અપલોડ થાય આ હેતુસર અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.