ગુજરાત

gujarat

ETV Bharat / city

બાળકો સામે કોરોના ઝૂક્યો, સુરતના બાળ યોદ્ધાઓએ કોવિડને આપી માત - children fought corona

માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોના ફેઝ 2માં 411થી વધુ બાળકો સંક્રમિત થયા છે. જેમાં નવજાતથી લઈને 12 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ થાય છે. અનેક બાળકોની સ્થિતિ એ હદ સુધી વિકટ બની કે તેમને વેન્ટિલેટર ઉપર પણ રાખવામાં આવ્યા હતા, પરંતુ કોરોના જેવા જીવલેણ રોગ સામે બાળકો લડ્યા અને જીત્યા પણ છે. સુરતની વાત કરવામાં આવે તો અહીં 25 દિવસથી માંડીને 5 વર્ષ સુધીના બાળકોએ હોસ્પિટલમાં માત્ર 2થી 3 દિવસ રહીને કોરોનાને માત આપી છે.

બાળકો સામે કોરોના ઝૂક્યો, સુરતના બાળ યોદ્ધાઓએ કોવિડને આપી માત
બાળકો સામે કોરોના ઝૂક્યો, સુરતના બાળ યોદ્ધાઓએ કોવિડને આપી માત

By

Published : Apr 26, 2021, 7:54 PM IST

  • કોરોના ફેઝ-2માં મોટી સંખ્યામાં બાળકો થયા સંક્રમિત
  • હાયર રિસ્ક ઝોનમાં આવતા સેંકડો બાળકોએ આપી કોરોનાને માત
  • સુરતમાં કોરોનાને માત આપનારા કેટલાક બાળ યોદ્ધાઓની કહાણી

સુરત: કોરોના ફેઝ-૨માં નવજાતથી લઈને 12 વર્ષ સુધીના બાળકો કોરોના સંક્રમિત થયા છે. પરિસ્થિતિ એ હદ સુધી પહોંચી કે નાના બાળકોની સારવાર માટે રેમડેસીવીર આપવા માટે ડોક્ટરો મજબૂર થઈ ગયા હતા. જોકે, સૌથી રાહતની વાત એ પણ છે કે, કોરોનાને માત આપવામાં બાળકો પણ પાછળ રહ્યા નથી. કોરોનાને માત આપીને બાળકો એક યોદ્ધાની જેમ પોતાના ઘરે રમતા જોવા મળે છે.

બાળકનું નામ પણ નહોતું રાખ્યું અને કોરોના થયો

સુરતમાં માત્ર 25 દિવસના બાળકે કોરોનાને માત આપી છે. બાળકના પિતા રૂબેન ડેનિયલે જણાવ્યું હતું કે, સૌથી પહેલા મને ચેપ લાગ્યો હતો અને તેના બે દિવસ પછી મારી માતા અને પત્ની પણ કોરોના પોઝિટિવ થયા હતા. હજી તો અમે અમારા બાળકનું નામ પાડ્યું નહોતું અને કોરોનાએ તેને સંક્રમિત કર્યું હતું. તકેદારીના ભાગરૂપે અમે મારા બાળકને ફીડીંગથી દુર રાખ્યું હતું અને આજે એ સ્વસ્થ છે.

મારો પુત્ર જ મારા માટે ફાઈટર છે

શિવેન શાહની ઉમર 3.5 વર્ષ છે. ધમાલ કરવામાં પરિવારમાંએ નંબર વન છે, પરંતુ પરિવારને ખબર પડી કે તેમના પરિવારના ધબકતા હૃદયને કોરોના થયો છે. શિવેનના પિતા મૃગેશે જણાવ્યું હતું કે, મારી માતા અને મારા પુત્રને કોરોના થયો હતો. અમે આઇસોલેશનમાં હતા. એક તરફ મને માતાની ચિંતા હતી અને બીજી બાજુ પુત્રને આવી પરિસ્થિતિમાં જોવાની શક્તિ નહોતી, પરંતુ સારવાર બાદ બન્ને ઝડપી સાજા થયા છે. મારો પુત્ર જ મારા માટે ફાઈટર છે.

આ પણ વાંચો:વડોદરાની SSG હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં 8 બાળકો કોરોના સંક્રમિત

જાસ્મિન આખા ઘરમાં ધમાલ મચાવવા લાગી

બે વર્ષની જાસ્મિનને સાઈકલ ખૂબ જ પસંદ છે અને આટલી નાની ઉંમરે આટલી બહાદુર છે કે, તેણીએ કોરોનાને માત આપી છે. જાસ્મિને જાણે પોતાની સાયકલ નીચે કોરોનાને દબાવી નાંખ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાલ તેની મુસ્કાન પરિવાર માટે એક નવી આશા લઈને આવી છે. જાસ્મિનના પિતા સાગરે જણાવ્યું હતું કે, જાસ્મિનને પહેલા દિવસે તાવ આવ્યો હતો. જેથી અમે તેને દવા આપી હતી, પરંતુ બીજા દિવસે પણ તેને તાવ આવતાં તે જ્યાં પણ રમતી હતી ત્યાં જ સુઈ જતી હતી. જેના કારણે અમારી ચિંતા વધી ગઈ હતી. અમે એનો રિપોર્ટ કરાવ્યો તો કોરોના પોઝિટિવ આવી હોવાની જાણ થઈ. અમે તાત્કાલિક ડોક્ટર પાસે ગયા અને તેની સારવાર કરાવી હતી. આજે ફરીથી અમારી જાસ્મિન આખા ઘરમાં ધમાલ મચાવવા લાગી છે.

દવા પણ પી શકતી નહોતી

એક વર્ષની ત્રિશા ચાંચડીયાના માતા-પિતાને જ્યારે ખબર પડી કે આખા પરિવાર સાથે એ પણ પોઝિટિવ આવી છે, ત્યારે તેમના પર આભ ફાટી પડ્યું હતું. ત્રિશાને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેણીની સારવાર ચાલી રહી હતી. ત્રિશાના પિતા ધર્મેશે જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં બધા જ પોઝિટિવ હતા. ત્રિશાની તબિયત આટલી હદે લથડી ગઇ હતી કે, તે દવા પણ પી શકતી નહોતી. જેથી અમે તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી અને ડોક્ટરોની સારવાર બાદ મારી ત્રિશા પહેલાની જેમ રમવા લાગી છે. તેની મુસ્કાન અમને નવી જીંદગી આપે છે.

હેવી ડોઝના કારણે પિતા ચિંતિત હતા

અઢી વર્ષીય વિવાન ગોંડલીયા પણ કોરોના પોઝિટિવ થયો હતો. વિવાનના પિતા સુમિતના જણાવ્યા મુજબ, તેને સતત બે દિવસ સુધી તાવ આવ્યો હતો. કોરોનાની દવાના હેવી ડોઝના કારણે પિતા ચિંતિત હતા. આટલી નાની ઉંમરમાં હેવી ડોઝ કઈ રીતે બાળક સહન કરી શકશે? તેની ચિંતા તેમને સતત સતાવ્યા કરતી હતી. પિતા સુમિતે જણાવ્યું હતું કે, 5 દિવસ સુધી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સઘન સારવાર બાદ તે સાજો થયો હતો.

આ પણ વાંચો:સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે 10 વર્ષથી નાના 124 બાળકો કોરોના પોઝિટિવ

બાળકોને ઝિંકની દવા આપવામાં આવે છે

કોરોનાગ્રસ્ત બાળકોની સારવાર કરતા ડોક્ટર પૂર્વેશ ધાકેચાએ જણાવ્યું હતું કે, હાલ બાળકો આ ફેઝમાં વધુ સંક્રમિત થઈ રહ્યા છે. અમે સૌથી પહેલા આવા બાળકોને ઝિંકની દવા ઓરલી આપીએ છે. આ એન્ટિબાયોટિક એ રીતે કામ કરે છે. આ ઉપરાંત જો બાળકોને તાવ હોય તો તેમને પેરાસિટામોલ સહિત અન્ય લક્ષણોની દવા પણ આપતા હોઈએ છે. ઘણા કેસમાં હાલ બાળકોને રેમડેસીવીર આપવી પડે તેવા પણ આવી રહ્યા છે. ઘણા કેસમાં બાળકો ઝડપી સાજા થાય છે, તો ઘણા કેસમાં બાળકોને સાજા થવામાં સમય લાગે છે.

ABOUT THE AUTHOR

...view details