- છેલ્લા 24 કલાકમાં 153 કેસો નોંધાયા
- સૌથી વધુ કામરેજમાં 46 કેસો
- લોકોમાં દહેશતનો માહોલ
સુરત: રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જિલ્લામાં ગઈકાલે શનિવારના રોજ 153 કેસો નોંધાયા હતા. સૌથી વધુ કેસો 46 કામરેજ તાલુકામાં નોંધાયા હતા. દિનપ્રતિદિન વધી રહેલા કેસો છતાં જિલ્લામાં વહીવટી તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે.
સુરત શહેરને અડીને આવેલા વિસ્તારોમાં ઝડપથી વધી રહ્યા છે કેસો
બારડોલી સહિતના જિલ્લામાં કોરોના સંક્રમણની રફતાર તેજ થઈ ગઈ છે. રોજિંદા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 100ની આસપાસ રહેતા કેસો આજે 150ને પાર પહોંચી જતા લોકોમાં ભયનો માહોલ છે. સૌથી વધુ સુરત શહેરને અડીને આવેલા કામરેજ તાલુકામાં 46 કેસો અને ચોર્યાસી તાલુકામાં 35 કેસો નોંધાયા છે. સુરત શહેરને અડીને આવેલા વિસ્તારોમાં કોરોના કેસોનો થઈ રહેલો સતત વધારો લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો:સુરત શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના કેસોને કારણે તંત્ર ચિંતામાં
શાળા કોલેજો ચાલુ હોય વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધી
જોકે, તંત્રનું ધ્યાન હજી સુધી ગ્રામ્ય વિસ્તારોમાં ગયું નથી. વધી રહેલા કેસો વચ્ચે પણ શાળા કોલેજ અને ટ્યુશન કલાસીસ ચાલુ છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.