- સુરતમાં કોરોનાના કેસમાં વધારો
- લોકડાઉનના ભયને કારણે શ્રમિકો વતન પરત ફરી રહ્યા છે
- રેલવે સ્ટેશન ખાતે રોજ હજારોની સંખ્યામાં શ્રમિકો વતન જવા માટે પહોંચી રહ્યા છે
સુરતઃ છેલ્લાં 24 કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં 2400થી પણ વધુ કરોના પોઝિટિવ કેસ નોંધાતા સૌથી વધુ ભય શ્રમિકોમાં જોવા મળી રહ્યો છે. લોકડાઉનનો તેમને ડર સતાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર તરફ આવતા રત્ન કલાકારો બસ દ્વારા જ્યારે યુપી, બિહાર તરફ જતાં શ્રમિકો પોતાના પરિવાર સાથે ટ્રેન મારફતે વતન તરફ જઈ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન ખાતે રોજ હજારોની સંખ્યામાં શ્રમિકો વતન જવા માટે પહોંચી રહ્યા છે, તમામ શ્રમિકોમાં લોકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. નાઈટ કરફ્યૂ પૂર્ણ થતા જ લોકો રેલવે સ્ટેશન પહોંચી જતા હોય છે, પરિવાર સાથે તેઓ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેસવા માટે કલાકો પહેલા આવી જાય છે.
ગયા વખતે વતન જવા માટે ખૂબ જ મુશ્કેલી થઈ હતીઃ શ્રમિક
સુરતથી પોતાના વતન ટ્રેન મારફતે જઈ રહેલા ઋષિકેશે જણાવ્યું હતું કે, હું ચાની લારી ચલાવું છું ગયા વખતે જે રીતે અચાનક લોકડાઉન લગાવવામાં આવ્યું હતું તેના કારણે વતન જવા માટે ખુબ મુશ્કેલી પડી હતી. જેથી આ વખતે અમે અગાઉથી જ વતન જવા માટે નીકળી રહ્યા છે. ગયા વખતે બસમાં જવાના કારણે ખૂબ જ હેરાનગતિ થઈ હતી. ત્યારે જો હવે ફરી લોકડાઉન લગાવશે તો તેવી જ રીતે તકલીફ થઈ શકે છે.
આ પણ વાંચોઃ લોકડાઉનના ભય અને કોરોના ટેસ્ટિંગની હેરાનગતિને કારણે ઝારખંડના શ્રમિકો વતન પરત ફર્યા