- ચૂંટણી બાદ યોજાઈ હતી પ્રથમ સામાન્ય સભા
- આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ વિરોધ પક્ષના નેતાનું નામ
- બદામનો હાર પહેરીને અભિવાદન કરતા લોકોમાં કુતૂહલતા
સુરતમાં AAPના વિરોધ પક્ષના નેતા બદામના હાર સાથે જોવા મળતા કુતૂહલતા - ગુજરાત સમાચાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ સુરત મ.ન.પા.ની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં મેયર સહિત અન્ય પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. આ સાથે જ વિરોધ પક્ષના નેતા તરીકે આમ આદમી પાર્ટીના ધર્મેશ ભંડેરીની નિયુક્તિ કરાઇ હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વિરોધ પક્ષના નેતાની જાહેરાત કર્યા બાદ વિરોધ પક્ષના નેતા બદામના હાર સાથે જોવા મળ્યા હતા.
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ સુરત મ.ન.પા.ની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં નવનિયુક્ત મેયર સહિત અન્ય પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. આ સાથે જ સુરતમાં પ્રથમ વખત વિરોધ પક્ષ તરીકેની કામગીરી કરનારી આમ આદમી પાર્ટીના ધર્મેશ ભંડેરીની વિરોધ પક્ષનાં નેતા તરીકે નિયુક્તિ કરાઇ હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ આ જાહેરાત કર્યા બાદ ગરીબ અને સાધારણ પક્ષ તરીકે પોતાની ઓળખ બનાવનાર આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા બદામનાં હાર સાથે જોવા મળ્યા હતાં.
સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો કાર્યક્રમ
સુરત મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના ચૂંટાઇને આવેલા તમામ 27 કોર્પોરેટરો હાજર રહ્યા હતા. સંજીવ કુમાર ઓડિટોરીયમ ખાતે પ્રથમ સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભા પછી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ મ.ન.પા.નાં વિરોધ પક્ષનાં નેતા તરીકે ધર્મેશ ભંડેરીના નામની જાહેરાત કરી હતી. આ સાથે દંડક તરીકે ભાવના પટેલના નામની જાહેરાત કરી છે. વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી સંજીવ કુમાર ઓડિટોરીયમ ખાતે બદામના હાર પહેરીને લોકોનું અભિવાદન કરી રહ્યા હતા.
પ્રજાના દરેક મુદ્દાઓ દરેક સભામાં રજુ કરાશે
ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, તેઓ અને તેમના કોર્પોરેટરો પ્રજાના દરેક મુદ્દાઓ દરેક સભામાં રજૂ કરશે. તેમણે બદામનાં હાર અંગે જણાવ્યું હતું કે, આ હાર તેમના શુભચિંતકો દ્વારા પહેરવામાં આવ્યો છે. અમે ક્યારેય પણ નથી કહેતા કે અમારી પાર્ટી ગરીબ લોકોની પાર્ટી છે. અમે લોકોના ટેક્સનો સદુપયોગ કરીને વિકાસના કામો કરીએ છીએ.